બગસરા એસ.ટી.ડેપોમાં છેલ્લાં ઘણા સમયથી વહીવટ સાવ ખાડે ગયો છે. રોજ ૧પથી ર૦ રૂટ બંધ રહેતા હોવાથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી મુસાફરોના હિતને ધ્યાનમાં રાખી ચેમ્બર અને પેસેન્જર એસો.એ તા.૧પમીએ બગસરા બંધનું એલાન આપ્યું છે જેને બગસરા સરપંચ એસો. દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવતા એસ.ટી.ના પ્રશ્ને હવે સરપંચો પણ લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. બગસરા બંધના એલાન બાદ અમરેલીથી વિભાગીય પરિવહન અધિકારી, ડેપો મેનેજર, મામલતદાર અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોએ બેઠક કરી હતી અને શક્ય હોય તેટલા રૂટ ચાલુ કરવાની તૈયારી દર્શાવી હતી આમ છતાં વારંવાર બસ રૂટ બંધ રહેતા હોવાથી મુસાફરોની હાલાકીનો અંત આવતો નથી. હવે બસ મામલે બગસરા તાલુકા સરપંચ એસો.એ પણ ટેકો જાહેર કરતા આવનારા સમયમાં શહેરના ઈતિહાસમાં પ્રથમવાર એસ.ટી.ના પ્રશ્ને બગસરા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.
અમુક ડ્રાઈવરોને કારણે પણ રૂટને અસર
બગસરા ડેપોમાં અમુક ડ્રાઈવરો મનમાની કરતા હોવાનું સામે આવ્યુ છે. અમુક ડ્રાઈવરોને જો અન્ય બસમાં મોકલવામાં આવે તો ખિસ્સામાં ઝેરી દવા લઈને આંટા મારે છે અને ઝેરી દવા પીવાના સ્ટંટ કરી એસ.ટી. અધિકારીને દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે અને અન્ય રૂટમાં ડ્રાઈવર જતા ન હોવાથી ઘણીવાર રૂટ બંધ કરવાની ફરજ પડતી હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
મોટાભાગની બસમાં જીપીએસ સિસ્ટમ બંધ
બગસરા ડેપોમાંથી ઉપડતી મોટાભાગની બસમાં જીપીએસ સિસ્ટમ બંધ હોવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે. હાલના સમયમાં નોકરિયાતો, વિદ્યાર્થીઓ ઘરે જવા નીકળવા માટે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરી બસ ક્યાં પહોંચી અને ક્યારે આવશે તેની માહિતી મેળવતા હોય છે પરંતુ જીપીએસ સિસ્ટમ બંધ હોવાથી તે માહિતી મળતી નથી.
મુસાફરોએ આપેલું રૂટબોર્ડ પણ ગાયબ!
બગસરા ડેપોમાં મશીનની સાથે રૂટબોર્ડની પણ તંગી હોવાથી અમુક બસ કાચમાં રૂટ લખીને નીકળે છે. નિયમ મુજબ આગળ અને પાછળ બંને બાજુએ રૂટ બોર્ડ લગાડવાના હોય છે પરંતુ બસમાં રૂટ બોર્ડ ન હોવાના કારણે અપડાઉન કરતા મુસાફરોએે સ્વખર્ચે બગસરા ડેપોને સમય સાથેનું રૂટ બોર્ડ આપેલ હતું પરંતુ થોડા દિવસ બસમાં લગાવ્યા બાદ મુસાફરોએ આપેલું રૂટ બોર્ડ પણ ગાયબ થઈ જતાં બગસરા ડેપોના અણધડ વહીવટ સામે સવાલો ઉભા થયા છે.







































