દરરોજ ૧પથી ર૦ રૂટ બંધ રહેતા હોવાથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

આગેવાનોને સન્માન સમારંભમાં રસ, મુસાફરોની મુશ્કેલી હલ કરવા સમય નથી

બગસરા એસ.ટી.ડેપોનો છેલ્લાં ઘણા સમયથી વહીવટ કથળ્યો હોય તેમ છાશવારે ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ કરી દેતા હોવાથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ બાબતે શહેરની સામાજિક સંસ્થાઓએ લેખીતમાં રજૂઆત કરવા છતાં એસ.ટી.ના અધિકારીઓ રજૂઆતને ઘોળીને પી જતા મુસાફરોમાં આક્રોશ ફેલાયો છે. જેથી મુસાફરોની મુશ્કેલીને ધ્યાને રાખી તા.૧પમીએ બગસરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. બગસરા એસ.ટી.ડેપો દ્વારા કોઈપણ જાણ વગર ગમે ત્યારે ડ્રાઈવરની ઘટનું કારણ જણાવી રાજકોટ સહિત ગ્રામ્ય પંથકોની બસ બંધ કરી દેવામાં આવતી હોવાથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુસાફરોની માંગણીને ધ્યાને રાખી ચેમ્બર ઓફ કોમર્સ અને પેસેન્જર એસો. દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ રજૂઆત પણ ઘોળીને પી જતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે પેસેન્જર એસો.ના પ્રમુખ હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય સહિત શહેરના રાજકિય આગેવાનો કારમાં મુસાફરી કરે છે, આગેવાનોને સન્માન સમારંભમાં રસ છે પરંતુ મુસાફરોની હાલાકીનો કોઈ ખ્યાલ નથી. મુસાફરોની માંગણીને ધ્યાને લઈ સામાજિક સંસ્થાઓએ આગામી તા.૧પને શનિવારના રોજ બગસરા બંધનું એલાન આપ્યું છે અને લોકોના હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલા બગસરા બંધમાં જાડાવવા માટે સંસ્થાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

બગસરા બંધ બાદ બસ સ્ટેશનમાં ચક્કાજામ કરાશે: ચેમ્બર પ્રમુખ
બગસરામાં દરરોજ ૧પથી રર જેટલા રૂટ બંધ કરવામાં આવતા હોવાથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીયલે જણાવ્યું હતું કે, બગસરા બંધ બાદ જા રૂટ શરૂ કરવામાં નહી આવે તો આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારો સાથે મળી બસ સ્ટેશનમાં ચક્કાજામ કરવામાં આવશે અને ચક્કાજામ માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

નવી બસ તો ચાલુ ન થઈ, જુના રૂટ પણ બંધ થયા
બગસરાથી દ્વારકા, ભુજ, પાવાગઢ સહિતના નવા રૂટ ચાલુ કરવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નવી બસ તો ચાલુ ન થઈ પરંતુ રાજકોટ સહિતના અનેક બસ રૂટ બંધ કરવામાં આવ્યા જેથી ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને પણ હાલાકી થઈ રહી છે. જેથી સરપંચોમાં પણ રોષ જાવા મળી રહ્યો છે.

ધારાસભ્ય સામાજિક સંસ્થાઓ સાથે બેઠક કરશે
બગસરા એસ.ટી.ડેપોના અણધડ વહીવટ સામે શહેર બંધનું એલાન આપ્યા બાદ ધારાસભ્ય જે.વી. કાકડીયા પણ સફાળા જાગ્યા હતા. આ અંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, બગસરા ડેપોને વધુમાં વધુ ડ્રાઈવર મળે અને રૂટ ચાલુ થાય તે માટે સામાજિક સંસ્થાઓ સાથે આજે બેઠક કરશે. જા કે આ વખતે શહેરનો દરેક નાગરિક પોતાને મળતી અસુવિધા મામલે રોષમાં જાવા મળી રહ્યો છે.