એસ.એચ. ગજેરા કેમ્પસમાં હોળી અને ધુળેટીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ગુરુવાર, ૧૩ માર્ચ, ૨૦૨૫ના રોજ, ધોરણ ૧ થી ૫ના વિદ્યાર્થીઓએ ‘હોલિકાદહન’ના ચિત્રોમાં રંગ પૂરીને હોળીની ઉજવણી કરી હતી. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય અને બાળભક્ત પ્રહલાદની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ બાળકોમાં સદ્ગુણોનો વિકાસ કરવાનો, અન્યાય સામે અવાજ ઉઠાવવાની વૃત્તિ જન્માવવાનો અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધારવાનો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને હિરણ્યકશિપુ અને પ્રહલાદની પૌરાણિક વાર્તાઓ સાંભળી. તેમણે પોતાના પરિવાર સાથે હોળીની ઉજવણી કેવી રીતે કરી તે પણ જણાવ્યું. શિક્ષકોએ હોળીના મહત્વ વિશે વાત કરી, અને ધોરણ ૬ થી ૯ના વિદ્યાર્થીઓએ ભાષણો અને વાર્તાઓ કહી. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી.