સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્વારા જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના રફાળીયા ગામમાં મોટા પાયે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં રૂ.૬૮,૬૪,૯૦ની કિંમતની ૧૫,૫૯૩ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે ૬ વાહનો, ૧ મોબાઇલ અને એક તાડપત્રી સહિત કુલ રૂ.૧,૧૬,૩૫,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં, પોલીસે ૯ વોન્ટેડ આરોપીઓની યાદી જાહેર કરી છે, જેમાં મુખ્ય આરોપી ધર્મેશ મનુભાઈ વાળા (અમરેલી) અને તેના ભાગીદાર જયેન્દ્ર જીલુભાઈ બસીયા (રાજકોટ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ વાહનોના ડ્રાઇવરો અને દારૂના સપ્લાયરને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ દરોડો પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એસએમસીના પીઆઈ આર.કે. કરમટા અને પીએસઆઈ વી.એન. જાડેજાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.