ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝનમાં, બધાની નજર સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ પર રહેશે, જેમાં વિસ્ફોટક ખેલાડીઓની ભરમાર છે. પેટ કમિન્સની ગેરહાજરીમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીએલ ૨૦૨૬ ની શરૂઆતની કેટલીક મેચો માટે વિકેટકીપર-બેટ્‌સમેન ઇશાન કિશનને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આગામી સીઝનની સંપૂર્ણ તૈયારી માટે, સનરાઇઝર્સ હૈદરાબાદે ૨૧ માર્ચે તેમના હોમ ગ્રાઉન્ડ પર પ્રેકટીસ મેચ રમી હતી, જેમાં બંને ઇનિંગ્સમાં ૫૦૦ થી વધુ રન બનાવવામાં આવ્યા હતા. આ મેચમાં કેપ્ટન ઇશાન કિશનના આઉટ થવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાના જ ખેલાડીના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.
આ પ્રેકટીસ મેચમાં ઇશાન કિશનના બેટે ૨૪ બોલમાં શાનદાર ૭૨ રન બનાવ્યા હતા, જે તેની કુદરતી આક્રમક બેટિંગ શૈલી દર્શાવે છે. આ મેચની બીજી ઇનિંગ્સમાં, જ્યારે ઇશાન કિશન બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે સ્પિનર ઝીશાન અન્સારીએ ફેંકેલી ૮મી ઓવરમાં ૪ બોલમાં ૨૦ રન બનાવ્યા હતા, જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ પછી, ઇશાન કિશન પાંચમા બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડીપ સ્ક્વેર લેગ પર કેચ થઈ ગયો હતો. વિકેટ લીધા પછી ઝીશાન અન્સારી ખૂબ ગુસ્સે થઈ ગયો. વિકેટકીપરે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઝીશાન અંસારી ઇશાન કિશન પાસે ગયો અને ગુસ્સાથી તેને પેવેલિયન તરફ આંગળી ચીંધીને બહાર મોકલી દીધો.
વિકેટ લીધા પછી ઝીશાન અંસારીને આટલો ગુસ્સે જાઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ ઇશાન કિશન તેને હસીને આઉટ થયા પછી પેવેલિયન પાછો ફર્યો. આ પ્રેકટીસ મેચની વાત કરીએ તો, અભિષેક શર્માએ પણ પોતાની બેટિંગ કુશળતા દર્શાવી, કુલ ૯૪ રન બનાવ્યા. હેનરિક ક્લાસેનએ પણ ૪૯ રન બનાવ્યા, જ્યારે સલિલ અરોરાએ ૧૬ બોલમાં ૪૭ રન બનાવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં હજુ સુધી મુખ્ય ખેલાડી ટ્રેવિસ હેડનું આગમન જાવા મળ્યું નથી, જેનું આગમન કોઈપણ ટીમના બોલરોમાં ડર પેદા કરી શકે છે.