એર ઇન્ડિયા અંગે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે બપોરે, દિલ્હીથી લંડન હીથ્રો જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ. જેના કારણે વિમાનને ટેકઓફના કલાકો પછી દિલ્હી પરત ફરવાની ફરજ પડી. આ ઘટનાએ મુસાફરોને અણધારી અસુવિધા તો પહોંચાડી જ, પરંતુ તાજેતરમાં એરલાઇનના કાફલામાં ઉમેરવામાં આવેલા આધુનિક વિમાનની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા.
ગુરુવારે સવારે ૬ વાગ્યાની આસપાસ, એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઇ ૧૧૧ દિલ્હીથી લંડન માટે ઉડાન ભરી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, જ્યારે ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે વિમાન સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રમાં હતું. આ નિર્ણય લેવામાં આવે તે પહેલાં વિમાન લગભગ ચાર કલાક હવામાં હતું.
વાપસીની મુસાફરી સહિત કુલ સાત કલાક હવામાં રહ્યા પછી, વિમાન બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે ફ્લાઇટ દરમિયાન પ્લેનની અંદર કેટલાક અવાજા સંભળાયા હતા, જેના કારણે ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફ્લાઇટમાં કેટલા મુસાફરો હતા તેની ચોક્કસ સંખ્યા હાલમાં જાણી શકાઈ નથી.
આ ઘટનાના જવાબમાં, એર ઇન્ડીયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનને પરત કરવાનો નિર્ણય સાવચેતીના પગલા તરીકે લેવામાં આવ્યો હતો. શંકાસ્પદ ટેકનિકલ ખામી મળી આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને એર ઇન્ડિયાના ઉચ્ચ સલામતી ધોરણો અનુસાર વિગતવાર ટેકનિકલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે આ વ્યાપક નિરીક્ષણ પ્રક્રિયામાં વધારાનો સમય લાગશે. એરલાઇને મુસાફરોને થયેલી અણધારી અસુવિધા બદલ માફી માંગી હતી અને જણાવ્યું હતું કે તે શક્ય તેટલી વહેલી તકે લંડન પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.એર ઇન્ડિયાએ જાન્યુઆરી ૨૦૨૪ માં આ નવા છ૩૫૦-૯૦૦ વિમાનનું સંચાલન શરૂ કર્યું હતું. આ ઘટનામાં સામેલ વિમાન નો ટેકનિકલ સમસ્યાઓનો ઇતિહાસ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૫ માર્ચે આ જ વિમાનમાં ટેકનિકલ ખામીનો અનુભવ થયો હતો. તે સમયે, વિમાન ન્યુ યોર્કથી દિલ્હી જઈ રહ્યું હતું અને ટેકનિકલ સમસ્યાને કારણે તેને શેનોન, આયર્લેન્ડ વાળવું પડ્યું. આટલા ટૂંકા ગાળામાં એક જ વિમાનમાં બે ટેકનિકલ ખામીઓ બનવી એ એરલાઇનના કાફલાના જાળવણીના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય છે.
એર ઇન્ડિયાના નવા એ ૩૫૦-૯૦૦ વિમાનમાં આ ટેકનિકલ ખામીઓ એરલાઇન માટે ઓપરેશનલ ચિંતાનો વિષય બની શકે છે. આ ઘટના પર વિગતવાર ટેકનિકલ મૂલ્યાંકન અહેવાલ આખરે ખામીનું મૂળ કારણ જાહેર કરશે.











































