અમદાવાદમાં એર ઇન્ડિયાના ક્રેશનો અંતિમ અહેવાલ છ થી આઠ મહિનામાં જાહેર થવાની સંભાવના છે, જેમાં મુખ્ય તપાસ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ બદલવાની હશે, સૂત્રો અનુસાર પ્રારંભિક અહેવાલ પછી, એરક્રાફ્ટ એકસીડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરોની તપાસ હવે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર જેને બ્લેક બોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને કાટમાળ સ્થળ પરથી મળેલા પુરાવાઓનું વિશ્લેષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ૨૬૦ લોકોના જીવ લેનારા ક્રેશના પ્રારંભિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે એઆઇ ૧૭૧ વિમાને અમદાવાદથી ઉડાન ભર્યાના ત્રણ સેકન્ડ પછી બંને એન્જીનને ઇંધણ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. તપાસમાં થયેલા વિકાસથી વાકેફ એક ઉચ્ચ સ્તરીય સૂત્ર અનુસાર, “પ્રારંભિક અહેવાલ દ્વારા,જાણવા મળ્યું કે ફ્યુઅલ સ્વીચમાં ફેરફાર થયો હતો. પરંતુ આ ફેરફારનું કારણ શું હતું? શું અન્ય કોઈ ઘટકોમાં કોઈ સમસ્યા હતી જેના કારણે આ ફેરફાર થયો? જ્યારે ડેટાનું વિશ્લેષણ અલગ અલગ ખૂણાથી કરવામાં આવશે ત્યારે આ ચિત્ર સ્પષ્ટ થશે.”
કોકપીટની અંદરની વાતચીત રેકોર્ડ કરનાર સીવીઆરનું એએઆઇબીની દિલ્હી પ્રયોગશાળાના નિષ્ણાતો દ્વારા વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.એફડીઆર ડેટાનું વિશ્લેષણ વિમાન, તેના એન્જીન અને અન્ય ઘટકો વિશે તકનીકી માહિતી પ્રદાન કરશે.આ ઉપરાંત, વિમાનના કાટમાળનું વ્યાપક નિરીક્ષણ પણ ચાલી રહ્યું છે. બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનરના પુનઃપ્રાપ્ત ઘટકોને અમદાવાદની એક ફેક્ટરીમાં ફરીથી એસેમ્બલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઘટકોના ફોરેન્સીક વિશ્લેષણમાં મદદ કરવા માટે મૂળ ઉપકરણ ઉત્પાદકોને પણ જાડવામાં આવ્યા છે. ઘટકોમાં કોઈપણ ખામી અથવા તકનીકી સમસ્યા ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.પ્રારંભિક અહેવાલ શું બન્યું તેના પર પ્રકાશ પાડે છે, પરંતુ વિગતવાર વિશ્લેષણ ૧૨ જૂનના રોજ અકસ્માત કેવી રીતે અને શા માટે થયો તે નક્કી કરવામાં મદદ કરશે.