યુએસએના એરિઝોનામાં પિનલ કાઉન્ટીના પર્વતોમાં એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર ચાર લોકોના મોત થયા. સ્થાનિક અધિકારીઓએ અકસ્માત અંગે માહિતી આપી છે. પિનલ કાઉન્ટી શેરિફ ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કર્યું કે આ અકસ્માત ફોનિક્સથી લગભગ ૧૦૩ કિલોમીટર (લગભગ ૬૪ માઇલ) પૂર્વમાં ટેલિગ્રાફ કેન્યોન નજીક સવારે ૧૧ વાગ્યે થયો હતો. હેલિકોપ્ટર ક્વીન ક્રીકના પેગાસસ એરપાર્કથી ઉડાન ભરી હતી.

શેરિફ ઓફિસ અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમાં ૫૯ વર્ષીય પુરુષ પાઇલટ (ક્વીન ક્રીકનો રહેવાસી) અને ત્રણ યુવતીઓ – બે ૨૧ વર્ષીય અને એક ૨૨ વર્ષીય – એક જ પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. શેરિફ ઓફિસે કહ્યું, “અમારી પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે.”

પ્રાથમિક માહિતી અનુસાર, હેલિકોપ્ટર એક મનોરંજક સ્લેકલાઇન (પર્વતો વચ્ચે સ્થાપિત દોરડા જેવી જાળી) સાથે અથડાયું અને પછી ખીણમાં પડી ગયું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અકસ્માતની તપાસ કરી રહ્યા છે. અકસ્માત બાદ, સલામતીના કારણોસર વિસ્તારમાં હંગામી ફ્લાઇટ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.