દેશની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ભારતે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં લગભગ ૯.૭૪ લાખ ટન ડાય-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) ની આયાત કરી છે. મંગળવારે રાજ્યસભામાં રસાયણ અને ખાતર રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે આ માહિતી આપી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અનુસાર, એપ્રિલમાં ૨.૮૯ લાખ ટન, મેમાં ૨.૩૬ લાખ ટન અને જૂનમાં ૪.૪૯ લાખ ટન ડીએપીની આયાત કરવામાં આવી હતી. સરકારી આંકડા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ડીએપીની આયાત ૪૫.૬૯ લાખ ટન રહી હતી, જ્યારે ૨૦૨૩-૨૪માં તે ૫૫.૬૭ લાખ ટન, ૨૦૨૨-૨૩માં ૬૫.૮૩ લાખ ટન, ૨૦૨૧-૨૨માં ૫૪.૬૨ લાખ ટન અને ૨૦૨૦-૨૧માં ૪૮.૮૨ લાખ ટન હતી.
રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે સરકાર ખરીફ ૨૦૨૫ ની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતા પ્રમાણમાં ખાતરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી રહી છે. આ ખરીફ સિઝન માટે ખાતરોની માંગ ગયા વર્ષ કરતાં થોડી વધારે છે, કારણ કે પાક માટે વાવેલા વિસ્તારમાં વધારો થયો છે અને ચોમાસું અનુકૂળ રહ્યું છે.
પટેલે જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૧૦ થી, કેન્દ્ર સરકારે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો માટે પોષક તત્વો આધારિત સબસિડી નીતિ લાગુ કરી છે. આ નીતિ હેઠળ, પોષક તત્વોની માત્રાના આધારે સબસિડી નક્કી કરવામાં આવે છે અને આ ખાતરો ઓપન જનરલ લાઇસન્સ હેઠળ આવે છે, જેથી કંપનીઓ તેમના વ્યવસાય અનુસાર આયાત કરી શકે.
તેમણે કહ્યું કે દેશમાં ખાતરની માંગ અને ઉત્પાદન વચ્ચેનો તફાવત આયાત દ્વારા પૂરો થાય છે. ભૂ-રાજકીય કારણોસર પુરવઠા શૃંખલામાં વિક્ષેપ ટાળવા માટે, ખાતર કંપનીઓએ ઉત્પાદક દેશો સાથે લાંબા ગાળાના કરાર કર્યા છે જેથી સતત પુરવઠો જાળવી શકાય. ખાતરની આયાતમાં યુરિયાનો પણ મહત્વપૂર્ણ હિસ્સો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં યુરિયાની આયાત ૫૬.૪૭ લાખ ટન, ૨૦૨૩-૨૪માં ૭૦.૪૨ લાખ ટન, ૨૦૨૨-૨૩માં ૭૫.૮૦ લાખ ટન, ૨૦૨૧-૨૨માં ૯૧.૩૬ લાખ ટન અને ૨૦૨૦-૨૧માં ૯૮.૨૮ લાખ ટન રહી હતી.