એપસ્ટેઈન સેક્સ સ્કેમ શું છે ?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના એક સમયના અત્યંત ખાસ મનાતા વિશ્વના સૌથી ધનિક એલન મસ્ક સામસામે આવી ગયા પછી મસ્કે એપસ્ટેઈન સેક્સ સ્કેમનો મુદ્દો છેડ્‌યો છે. મસ્કે આક્ષેપ મૂક્યો છે કે, ટ્રમ્પનું નામ એપ્સટેઈનની ફાઇલોમાં હોવાથી આ તમામ ફાઈલો જાહેર કરવામાં આવતી નથી. ટ્રમ્પ વિકૃત સેક્સ અપરાધી એપસ્ટેઈન સાથે જોડાયેલા હોવાથી તેમની સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવીને અમેરિકાના પ્રમુખપદેથી દૂર કરવાની અને વર્તમાન વાઈસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સને પ્રમુખ બનાવવાની તરફેણ પણ મસ્કે કરી છે.
મસ્ક અને ટ્રમ્પ વચ્ચે ઘણા બધા મુદ્દે મતભેદો છે અને આ મતભેદો હવે મનભેદ બની ચૂક્યા છે. એક સમયના ગાઢ સાથી એકબીજા પર અંગત પ્રહારો કરી રહ્યા છે. મસ્કે તો અમેરિકા પાર્ટી બનાવીને ટ્રમ્પ સામે ખુલ્લો રાજકીય જંગ છેડવાનું એલાન પણ કર્યું છે પણ આ બધી વાતોમાં એપસ્ટેઈન ફાઈલ્સનો મુદ્દો સૌથી ગંભીર છે કેમ કે આ કેસ સગીર છોકરીઓ અને છોકરાઓના જાતિય શોષણ સાથે જોડાયેલો છે.
આ કેસમાં અમેરિકાના જ નહીં પણ દુનિયાભરના સૌથી ધનિક, વગદાર અને સેલિબ્રિટી કહેવાય એવાં લોકો સંડોવાયેલાં છે. અમેરિકન અબજોપતિ જેફરી એપ્સટેઈન પોતે તો સગીર છોકરીઓ અને સગીર છોકરાઓનું જાતિય શોષણ કરતો જ પણ તેમને ધનિકોની સેક્સ ભૂખ સંતોષવા માટે તેમને હવાલે પણ કરી દેતો. લેવિશ પાર્ટીઓમાં ચાલતા હવસના આ ગંદા ખેલમાં ટ્રમ્પની સંડોવણીના આક્ષેપ પહેલાં પણ થયા છે પણ મસ્કનો આક્ષેપ વધારે ગંભીર છે કેમ કે મસ્કે સરકારી તપાસમાં ટ્રમ્પનું નામ ખૂલ્યું હોવાનો ધડાકો કર્યો છે.
મસ્ક સાચું જ બોલતો હોય એ જરૂરી નથી પણ એ સાચો નથી એવું સાબિત કરવા માટે ટ્રમ્પ એપસ્ટેઈન ફાઈલો જાહેર કરવા તૈયાર નથી. ભૂતકાળમાં ટ્રમ્પ અને એપસ્ટેઈન વચ્ચેની નિકટતા જાણીતી છે. એપસ્ટેઈનની ઘણી પાર્ટીઓમાં ટ્રમ્પ જતો પણ હતો. આ બધાં કારણોસર ટ્રમ્પ શંકાના દાયરામાં હતો જ ને હવે મસ્કના આક્ષેપોએ આ શંકાને વધારે ઘેરી બનાવી છે.
આ મુદ્દો બહુ મોટો છે એ જોતાં ટ્રમ્પને તેના કારણે ઘરભેગા પણ થવું પડી શકે.

એપસ્ટેઈન સેક્સ સ્કેમમાં કોણ કોણ સામેલ છે ?
દોઢ વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૪ના જાન્યુઆરીમાં ન્યૂ યોર્કની કોર્ટમાં એપસ્ટેઈન સામેની તપાસને લગતા દસ્તાવેજો રજૂ કરાયા હતા. તેમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો બિલ ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ, પોપ સિંગર માઈકલ જેક્સન, માઈક્રોસોફ્‌ટના સ્થાપક બિલ ગેટ્‌સ, મહાન વિજ્ઞાની સ્ટીફન હોપકિન્સ, બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સના નાના ભાઈ પ્રિન્સ એન્ડ્રુ, જાદુગર ડેવિડ કોપરફિલ્ડ સહિતના ૧૫૦ જેટલા ધનિક અને સેલિબ્રિટીના નામ હતા.
એપસ્ટેઈનની ગર્લફ્રેન્ડ અને તેના પાપમાં ભાગીદાર ઘિસલેઈન મેક્સવેલને ૨૦ વર્ષની સજા થઈ ત્યારે પોલીસે લીધેલી જુબાનીઓ, ઈ-મેલ તથા બીજા પુરાવા રજૂ કરાયેલા ત્યારે આ કહેવાતાં મોટા માથાંની ઓળખ જાહેર નહોતી કરાઈ. તેમના માટે કોડ નેમનો ઉપયોગ કરાયેલો. આ મોટા માથાં પોતાના નામ જાહેર નહી કરવા કોર્ટમાં ગયા હતા પણ કોર્ટે તેમની અરજીને નકારીને સીલબંધ રિપોર્ટના નામો જાહેર કરવા ફરમાન કર્યું હતું.
‘એપસ્ટેઈન ફાઈલ્સ’ તરીકે જાણીતા આ દસ્તાવેજોમાં ધડાકો કરાયો હતો કે, ધનિકો હાઈસ્કૂલમાં ભણતી છોકરીઓ સાથે શરીર સંબંધો બાંધવા માટે પડાપડી કરતા હતા. માત્ર છોકરીઓ જ નહીં પણ કુમળી વયના છોકરાઓને પણ હવસનો શિકાર બનાવાતા હતા. ૧૪-૧૫ વર્ષની છોકરીઓ સાથે શરીર સંબંધ બાંધીને ધનિકો જે વિકૃતિઓ આચરતા હતા તેની વિગતો થથરાવી નાખનારી છે.
દોઢ વર્ષ પહેલાં જાહેર થયેલા નામો તો પાશેરામાં પહેલી પૂણી હતી. એપસ્ટેઈનની ન્યૂ યોર્ક સિટી, ફ્‌લોરિડા, વર્જિન આઈલેન્ડ્‌સ, ન્યૂ મેક્સિકોમાં આવેલા મહેલ જેવા ઘરોમાં અપાતી લેવિશ પાર્ટીઓમાં દુનિયાભરથી સેલિબ્રિટીઝ આવતી હતી. એપસ્ટેઈન સામેની તપાસમાં એ બધાની વિગતો અપાયેલી જ છે. મસ્ક તેની જ વાત કરી રહ્યો છે પણ ટ્રમ્પ એ ફાઈલો પર કુંડાળું વાળીને બેસી ગયો છે.

એપસ્ટેઈન કોણ હતો ?
અમેરિકાના મધ્યમ વર્ગીય યહૂદી પરિવારમાં જન્મેલા એપસ્ટેઈને કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. થોડા વરસો સુધી સ્કૂલમાં ભણાવ્યા પછી એપસ્ટેઈન ફાયનાન્સિયલ મેનેજમેન્ટ તરફ વળ્યો અને ધીરે ધીરે પ્રગતિ કરીને ધનિક બની ગયો. શરૂઆતથી એપસ્ટેઈનના મોટા ભાગના ક્લાયન્ટ્‌સ ધનિક હતા. તેનું કારણ એપસ્ટેઈનની ‘સર્વિસ’ ગણાય છે. ગ્રાહક બનાવવા એપસ્ટેઈન ધનિકોને તમામ પ્રકારની ‘સર્વિસ’ પૂરી પાડતો. તેના કારણે વગદાર લોકોમાં તેનો પ્રભાવ વધતો ગયો અને પ્રગતિ ઝડપી બની. એપસ્ટેઈન ૧૯૯૦ના દાયકામાં ઘિસલેઈન મેક્સવેલના સંપર્કમાં આવ્યો પછી પાર્ટીઓનો દૌર શરૂ થયો.
એપસ્ટેઈન સામે પહેલી ફરિયાદ ૨૦૦૫માં થઈ હતી. ફ્‌લોરિડાના પામ બીચમાં એક વાલીએ ફરિયાદ કરી હતી કે,
આભાર – નિહારીકા રવિયા એપસ્ટેઈને તેની ૧૪ વર્ષની છોકરી સાથે શરીર સંબંધ બાંધીને જાતિય શોષણ કર્યું હતું. એપસ્ટેઈન વગદાર હોવાથી તેની સામેની તપાસમાં બહુ ઢીલ કરાઈ. તેની ધરપકડ કરાઈ પણ બહુ જલદી એ બહાર આવી ગયો હતો. એપસ્ટેઈને જેલમાંથી બહાર આવ્યા પછી ફરી પાર્ટીઓ કરીને શોષણ શરૂ કર્યું.
પોલીસ તપાસમાં બહાર આવેલું કે, એપસ્ટેઈને ૩૬ સગીર છોકરીઓને હવસનો શિકાર બનાવી હતી. વાસ્તવિક રીતે આ આંકડો મોટો હતો કેમ કે ભોગ બનેલી તમામ છોકરીઓનો સંપર્ક કરી શકાયો નહોતો. એપસ્ટેઈનના કરતૂતો સામે આખા અમેરિકામાં આક્રોશ ફાટી નીકળેલો અને એપસ્ટેઈનને આકરી સજા કરવાની માગ ઉઠેલી.
જો કે એપસ્ટેઈનના પાપમાં ભાગીદાર વગદાર લોકોના દબાણ હેઠળ ફ્‌લોરિડા પોલીસે એપસ્ટેઈન તપાસમાં મદદ કરે તેના બદલામાં તેને ઓછી સજા થાય એ માટે પ્લીયા ડીલ કરી નાખી. તેના કારણે ફ્‌લોરિડા સ્ટેટ કોર્ટે ૨૦૦૮માં એપસ્ટેઈનને દોષિત ઠેરવીને માત્ર ૧૩ મહિનાની સજા ફટકારેલી.
વર્જિનિયા ગ્વાફરે એપસ્ટેઈનના પતનનું કારણ બની.
બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુએ પોતે સગીર હોવા છતાં શરીર સંબંધ બાંધેલા એવા આક્ષેપો કરીને સનસનાટી મચાવનારી વર્જિનિયાએ ૨૦૧૫માં એપસ્ટેઈન સામે કેસ કર્યો અને એપસ્ટેઈનનો ભાંડો ફૂટ્યો. એપસ્ટેઈનને ૨૦૦૮માં જેલમાં ધકેલાયો ત્યારે ઘણી છોકરીઓએ તેની સામે પડવાની હિંમત બતાવેલી પણ એપસ્ટેઈન છટકી ગયેલો. પત્રકાર શેરોન ચર્ચરે આ છોકરીઓને મદદ કરવાની ઝુંબેશ શરૂ કરી. બીજી છોકરીઓ જાહેરમાં ના આવી પણ વર્જિનિયા ગ્વાફરેએ શેરોનને આપવિતી કહી. ચર્ચરને બીજી છોકરીઓના નામ આપ્યા. તેના આધારે ચર્ચર એક પછી એક છોકરીઓ સુધી પહોંચી અને એવો મજબૂત કેસ તૈયાર કર્યો કે, ૨૦૧૯માં એપસ્ટેઈન ફરી જેલભેગો થઈ ગયો.

એપસ્ટેઈનની સાથી ઘિસલેઈન મેક્સવેલ અબજોપતિની દીકરી હતી.
બ્રિટનના મીડિયા મોગલ રોબર્ટ મેક્સવેલની દીકરી ઘિસલેઈન અત્યારે ફ્‌લોરિડાની તાલ્લાહાસ્સી જેલની હવા ખાય છે. યુકેના ટોચના અખબાર જૂથ મિરર ગ્રુપના માલિક રોબર્ટ મેક્સવેલની દીકરી ઘિસલેઈન મેક્સવેલને ન્યૂ યોર્કની કોર્ટે ૨૦૨૨ના જૂનમાં દોષિત ઠેરવીને ૨૦ વર્ષની ફટકારી હતી. એપસ્ટેઈનને સેક્સ અને વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓ પૂરી પાડવાના આરોપમાં મેક્સવેલ દોષિત ઠરી હતી.
ઘિસલેઈન મેક્સવેલ ૧૯૮૦ના દાયકામાં બ્રિટનનાં સોશિયાલીસ્ટ તરીકે જાણીતી હતી. બાપ અખબારનો માલિક હોવાથી ધનિકો તેને સલામ કરતાં ને બ્રિટનના અખબારોમાં પેજ થ્રી પર તેની તસવીરો છપાતી. રોબર્ટ મેક્સવેલ પણ અય્યાશ હતો તેથી અખબારોની કમાણી અય્યાશીમાં ઉડાવી. નાણાં ના રહ્યા એટલે લોન લીધી પણ ૫૦ કરોડ પાઉન્ડની લોન ના ભરતા કોર્ટના ચક્કર કાપતો થઈ ગયો હતો. ૧૯૯૧માં એટલાન્ટિક મહાસાગરમાંથી મેક્સવેલની નગ્નાવસ્થામાં લાશ મળી હતી. મેક્સવેલ યોટ પર અય્યાશી દરમિયાન મહાસાગરમાં પડી જતાં મરી ગયો એવું કહેવાતું હતું તેથી મેક્સવેલ પરિવાર પર સૌ ફિટકાર વરસાવતા હતા. ઘિસલેઈન ત્યારે ૩૦ વર્ષની હતી. યુકેમાં કોઈ હાથ પકડનારું નહોતું તેથી ઘિસલેઈન ભાગીને ન્યૂ યોર્ક આવી અને એપસ્ટેઈનના સંપર્કમાં આવી.
ઘિસલેઈને એપસ્ટેઈનના ધનિક દોસ્તો માટે પાર્ટીઓ કરવા માંડી. તેમાં શરાબ, શબાબ, ડ્રગ્સ સહિતની બધી અય્યાશીની સવલતો કરાતી તેથી આ પાર્ટીઓ સુપરહીટ થઈ ગઈ. મેક્સવેલ અને એપસ્ટેઈન યુએસના પાવર સર્કલમાં સેલિબ્રિટી બની ગયા. એપસ્ટેઈનની ૨૦૧૯માં ધરપકડ કરાઈ ત્યારે ઘિસલેઈનનું નામ બહાર આવતા ૨૦૨૦ના જુલાઈમાં તેની ધરપકડ કરાયેલી. ઘિસલેઈને એપસ્ટેઈન સામેના કેસમાં ખોટી જુબાની આપેલી તેથી તેનો પણ કેસ ચાલ્યો. સગીર છોકરીઓને પરિવારથી અલગ કરીને
વેશ્યાવૃત્તિમાં ધકેલવાના આરોપમાં ઘિસલેઈન દોષિત ઠરી પછી જેલમાં દા’ડા કાઢે છે.
એપસ્ટેઈનનું શું થયું ?
એપસ્ટેઈનને બીજી વાર ૨૦૧૯માં જેલભેગો કરાયો ત્યારે મજબૂત પુરાવા હોવાથી એપસ્ટેઈન છટકી શકે તેમ નહોતો તેથી તેણે જેલમાં જ આપઘાત કરી લીધો એવું કહેવાય છે. અલબત્ત શંકા તો એવી છે કે, એપસ્ટેઈન ભાંડો ના ફોડે એટલે મોટા માથાંએ તેને પતાવી દીધો.
એપસ્ટેઈનના જેલમાં આપઘાત વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હતા એ યોગાનુયોગ નહોતો.