ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં ભારે રસાકસી જોવા મળી. ટીમ ઇન્ડિયાએ ફરી એકવાર વિજયના ઉંબરે ઉભેલી ઇંગ્લેન્ડની ટીમને વિજયની ભીખ માંગવા મજબૂર કરી. ઓવલ ટેસ્ટમાં ભારતે ૬ રનથી મેચ જીતીને સિરીઝ ૨-૨થી ડ્રો કરી છે. વરસાદ-તોફાન ટીમ ઇન્ડિયા માટે વરદાન સાબિત થયું. ૫મા દિવસે ટીમ ઇન્ડિયાના બોલરો તાજગીભર્યા દેખાવ સાથે બહાર આવ્યા અને ઇંગ્લેન્ડના જડબામાંથી વિજય છીનવી લીધો.

૨૦ જૂનથી શરૂ થયેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની અંતિમ ટેસ્ટમાં ભારતની શાનદાર જીત થઈ છે. લંડનના ઓવલ મેદાન પર રમાયેલી આ મેચમાં જોરદાર રસાકસી જોવા મળી હતી. છેલ્લા દિવસે ભારતને જીતવા માટે ચાર વિકેટની જરૂર હતી, જ્યારે ઇંગ્લેન્ડને ૩૫ રનની જરૂર હતી. ભારત જીતતા આ શ્રેણી ૨-૨થી બરાબર થઈ છે.

આ મેચમાં ભારતે ઇંગલીશ ટીમને જીતવા માટે ૩૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે તેની પહેલી ઇનિંગમાં ૨૨૪ રન બનાવ્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં ૨૪૭ રન બનાવ્યા હતા. એટલે કે, યજમાન ઇંગ્લેન્ડને પહેલી ઇનિંગના આધારે ૨૩ રનની થોડી લીડ મળી હતી. આ પછી, ભારતીય ટીમે તેની બીજી ઇનિંગમાં ૩૯૬ રન બનાવ્યા હતા.  જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે તેની ધમાકેદાર બેટિંગથી મેચ પોતાની મુઠ્ઠીમાં કરી લીધી હતી. ચોથા દિવસે હેરી બ્રુક અને જા રૂટે ભારતીય બોલરો માટે મુશ્કેલી ઉભી કરી હતી. બંને બેટ્‌સમેનોએ સદી ફટકારી અને ઈંગ્લેન્ડના કેમ્પમાં ઉજવણી લગભગ શરૂ થઈ ગઈ હતી. પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ હતું.

પાંચમી ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડની જીતની આશા પ્રબળ હતી, પરંતુ ત્યારબાદ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર બોલિંગ કરી ભારતને રોમાંચક મેચમાં છ રને જીત અપાવી છે. ભારત આ સાથે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ ૨-૨થી બરોબર કરવામાં સફળ રહ્યું છે. ત્યારે ભારતની જીતના પાંચ હીરો રહ્યાં છે ૧. મોહમ્મદ સિરાજ ઈંગ્લેન્ડ સામે પાંચેય ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજ રમ્યો છે. સિરાજે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવા સાથે સૌથી વધુ બોલિંગ પણ કરી છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સીનિયર બોલર તરીકે સિરાજ પર સૌથી વધુ જવાબદારી હતી. સિરાજે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. સિરાજે ઈંગ્લેન્ડની છેલ્લી વિકેટ લઈ ભારતને શાનદાર જીત અપાવી છે. ૨. પ્રસિદ્ધ કૃષ્ણા ભારતની જીતનો બીજા હીરો પ્રસિદ્ધ કૃષ્ણા રહ્યો. પ્રસિદ્ધે સિરાજ સાથે મળી શાનદાર બોલિંગ કરી હતી. બંનેએ ચોથા દિવસે ટી-બ્રેક બાદ કમાલની બોલિંગ કરી ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. પ્રસિદ્ધ કૃષ્ણાએ પ્રથમ ઈનિંગમાં ૬૨ રન આપી ૪ વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં પ્રસિદ્ધે ૨૭ ઓવર ફેંકી અને ચાર સફળતા મેળવી હતી. મેચમાં કુલ આઠ વિકેટ લીધી હતી.

૩. યશસ્વી જાયસવાલ ભારતની જીતનો ત્રીજા હીરો યશસ્વી જાયસવાલ રહ્યો છે. પ્રથમ ઈનિંગમાં માત્ર ૨ રન બનાવી આઉટ થનાર યશસ્વીએ બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. યશસ્વીએ ૧૬૪ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૨ સિક્સ સાથે ૧૧૮ રન બનાવી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. ૪. કરૂણ નાયર પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમે એક બાદ એક વિકેટ ગુમાવી હતી. ત્યારે કરૂણ નાયરે ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય બાદ અડધી સદી ફટકારી હતી. કરૂણ નાયરે ૧૦૯ બોલમાં ૮ ચોગ્ગા સાથે ૫૭ રન બનાવી ભારતનો સ્કોર ૨૦૦ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

૫. આકાશ દીપ ભારતને જીત અપાવવામાં આકાશ દીપની પણ મહત્વની ભૂમિકા રહી છે. આ વખતે આકાશ દીપે બોલ નહીં પરંતુ બેટથી કમાલ કર્યો હતો. ભારત બીજી ઈનિંગમાં મુશ્કેલીમાં હતું, ત્યારે આકાશ દીપને નાઇટ વોચમેન તરીકે મોકલવામાં આવ્યો હતો. આકાશ દીપે ચોથા ક્રમે બેટિંગ કરતા ૧૨ ચોગ્ગા સાથે ૬૬ રન ફટકાર્યા હતા. તેણે યશસ્વી સાથે સદીની ભાગીદારી પણ કરી હતી. આ સાથે મેચમાં આકાશ દીપે બે વિકેટ પણ લીધી હતી.