એક આહીર મિત્રને મેં એકવાર પૂછ્યુંઃ “તમારી મહિલાઓ મોટાભાગે કાળા વસ્ત્રોમાં કેમ જોવા મળે છે? કાળો રંગ તો શોકનું પ્રતીક છે!” આવું પણ સામાન્ય રીતે કોઈને પૂછવાનો હવે સમય નથી પણ મિત્રતા હૃદયની આરપારની હતી એટલે પૂછ્યું. હજી આજે પણ હજી એવા મિત્રો રહ્યા છે કે જેને તેની જ્ઞાતિ વિશે ગમે તે પૂછી શકીએ, ગમે તે રીતે ઠમઠોરી પણ શકીએ. આહીરાણીઓ સારા પ્રસંગે પણ કાળાં કાળાં વસ્ત્રો ધારણ કરીને જાય છે! પણ મિત્રએ જે જવાબ આપ્યો એનાથી મને એટલું તો સમજાયું કે કૃષ્ણ શા માટે અમર અને અનંત છે.
મિત્રએ મને કહ્યું કે તમે મને જે સવાલ પૂછ્યો છે એ સવાલ મેં અમારા સમાજની વડીલ એક મહિલાને પૂછ્યો હતો કે આપણે શા માટે સારા પ્રસંગોમાં પણ કાળા વસ્ત્રો પહેરીએ છીએ? તો એ વડીલ મહિલાએ જવાબ આપ્યો હતોઃ “કાળા વસ્ત્રો તો પહેરીએ જ ને બાઈ! આપણો કાનો વયો ગ્યો છે!”
આ જવાબ જેટલો સાદો દેખાય છે એટલો સાદો નથી. આનો સીધો મતલબ એ છે કે એક સમાજ કૃષ્ણએ લીધેલી વિદાયને આજે પણ એટલી જ તાજી માને છે. કૃષ્ણ પ્રેમનું આટલું વિરાટ રૂપ મેં ક્યાંય જોયું નથી. આજે એક વ્યક્તિનું મોત ત્રીજા કે તેરમા દિવસે ભુલાઈ જાય છે અને એક સમાજ હજારો વર્ષ પછી પણ કાનાની વિદાયનો શોક બનાવે છે. કાનુડાને દુનિયાએ પોતપોતાની રીતે જોયો છે. પોતપોતાની રીતે પ્રેમ કર્યો છે. આહીર સમાજ કૃષ્ણ વિયોગના શોકને ગઈકાલની જ ઘટનાની જેમ તાજો રાખે છે.
તો આપણે ત્યાં વૈષ્ણવ સમાજ એવો સમાજ છે કે જે કૃષ્ણના રોમેન્ટિસીઝમને આજે પણ એવું ને એવું તાજું રાખે છે. એનો પુરાવો છે દોલોત્સવ.
સંસ્કૃતમાં જેને દોલોત્સવ કહેવામાં આવે છે તે જ હિંડોળા ઉત્સવ છે. ડોલો એટલે ઝૂલો, પારણું અથવા હિંડોળો. હિંડોળા ઉત્સવ એટલે બાલકૃષ્ણને પારણે કે ઝૂલે ઝુલાવવાનો અવસર. એના લાડકોડ પૂર્ણ કરવાનો ઉત્સવ એટલે “હિંડોળા ઉત્સવ” છે. વૈષ્ણવો માટે પોતાના હાથે પ્રભુજીને હિંડોળામાં ઝુલાવવાનો હર્ષોલ્લાસનો આ એક ઉત્સવ છે. વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓ હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો હોય, આ તમામ સ્થળે ભક્તિભાવપૂર્વક હિંડોળા ઉત્સવ ઉજવાય છે.
ભક્તિ સંપ્રદાયની પરંપરા અનુસાર દર વર્ષે હિંડોળા ઉત્સવ અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી મંદિરોમાં ઊજવાય છે. હિંડોળા ઉત્સવ એટલે પોતાના આત્માને પરમાત્મા સાથે જોડીને નિષ્કામભાવે ભક્તિનાં પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર. હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લહાવો લેવાનો પ્રેમનો અવસર. પ્રેમી વૈષ્ણવ ભક્તો નિતનવા પદાર્થોથી ભક્તિભાવપૂર્વક હિંડોળાને શણગારે છે અને રેશમની દોરીથી પોતાના ઇષ્ટદેવ ભગવાન હરિને ઝુલાવી ભાવવિભોર બની જાય છે. વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય સવિશેષ છે. તેથી તેમાં ઉત્સવ-સામૈયા ઊજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્વ છે. જેમાં અનેક ઉત્સવો જેવા કે જન્માષ્ટમી, હરિનવમી, શિવરાત્રિ, ફુલદોલોત્સવ, અન્નકૂટ, શરદોત્સવ, હિંડોળા વગેરે મંદિરોમાં ઊજવાય છે. જેમાં સંતો તથા પ્રેમી હરિભક્તો બારેમાસ આવા ઉત્સવો ઊજવી ભગવનાને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી. એમાંય વર્ષાઋતુનો પ્રારંભ થાય પછી તો કહેવું જ શું? પવિત્ર શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ તે લહાવો લૂંટી લે છે. ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એ રીતે અષાઢ અને શ્રાવણની પધરામણી સમયે ગર્જી ઊઠે છે. આકાશમાં ઘનઘોર વાદળો રીમઝીમ કરતાં વરસતાં હોય છે, મંદ મંદ પવન વાતો હોય છે, વીજલડી ચમકારા કરતી હોય છે અને સંધ્યા સમય એટલે કે આરતીનો સમય થતાં હરિભક્તો મંદિરમાં જઇને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિંચોળવા અધીરા બની જાય છે.
હિંડોળાના પર્વ દરમિયાન પ્રભુને હિંડોળામાં ઝુલાવવાના અવસરે ભક્તો નિતનવા પદાર્થોથી હિંડોળાને શણગારે છે. કોઇ દિવસ સુગંધીમાન પુષ્પો હોય, તો કોઇ દિવસ વળી ફળ, સૂકોમેવો, રાખડી, પવિત્રાં, મોતીના, આભલાંના, હીરના, કઠોળના, અગરબત્તી, મીણબત્તી, ચાંદી અને સુવર્ણોના દાગીના, કોડી, શંખલાં, છીપલાં, મોરપીંછ, સિક્કા, બોલપેન, આર્ટિફિશિયલ ફૂલ, આદિ વિવિધ ભાત-ભાતના સુંદર અને આકર્ષક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં કાળિયા ઠાકોરને પધરાવી સાયંકાળે પ્રેમીભક્તો તેમના લાડકોડ તન, મન, ધનથી સેવા કરીને પરિપૂર્ણ કરે છે. સંતો-ભક્તો મૃદંગ પખવાજ, ઝાંઝ, મંજીરા, ઢોલક તાલબદ્ધ વગાડીને હિંડોળાનાં પદો ગાઇને ઉત્સવ કરે છે. સંધ્યાનો સમય થાય એટલે સંતો સંધ્યા આરતી કરે. હૃદય પ્રેમના હિંડોળે ઝૂલે એવો આ હિંડોળા ઉત્સવ છે. અયોધ્યા તથા વૃંદાવનનાં ઘણાં મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ ‘ઝૂલા ઉત્સવ’ તરીકે ઊજવાય છે. ગુજરાતમાં વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઊજવાય છે. વૈષ્ણવ પરંપરા મુજબ ભગવાન કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા હિંડોળામાં ભગવાન બાલકૃષ્ણને ઝુલાવવામાં આવે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ સંતો-ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં ખૂબ જ ઝુલાવ્યા છે. અમદાવાદ, વડતાલ, ધોલેરા, ગઢપુર, જૂનાગઢ, ભુજ અને સારંગપુર, સુરત, મિછયાવ, માનકૂવા આદિ અનેક સ્થળોએ ભગવાનને હિંડોળામાં બિરાજમાન કરીને, કીર્તનો ગાઇને તથા ઓચ્છવ કરીને ભગવાનને ખૂબ રીઝવ્યા છે. હિંડોળા ઉત્સવમાંથી અનેક પ્રકારનો ઉપદેશ-પ્રેરણા સાંપડે છે. જેમ હિંડોળામાં બેસનાર વ્યક્તિએ સાંકળ પકડી રાખવી પડે છે. તેમ જીવનના હિંડોળામાં પણ સંયમ અને સાવધાનીની સાંકળ પકડી રાખવી પડે છે, નહીં તો ક્યારે પડી જવાય તેની ખબર ન પડે. જીવનમાં પણ ઝૂલાની જેમ ચડતી-પડતી આવવાની અને જવાની, સુખ-દુઃખના વારા આવવાના, પરંતુ તેમાં આપણે સમજીને શમતા રાખવી જ ઘટે.
આ અને આવા બીજા જેટલા અર્થઘટનો કરવા હોય એટલા થાય. પણ એક વાત નક્કી છે કે કૃષ્ણનો જન્મ, બાળપણ, યુવાની મૃત્યુ બધું જ અમર અને અનંત છે. તેનો જન્મ હજી ગઈકાલની જ ઘટના છે અને એનું મૃત્યુ પણ હજી ગઈકાલની જ ઘટના છે.