બોસ… બોસ કો સમજને કે ગ્યારહ મુલ્કોં કી પબ્લિક દિમાગ હિલા રહી હૈ મગર બોસ કો સમજના મુશ્કિલ હી નહીં, નામમુકિન હૈ…
વાડીમાં બેઠા બેઠા બોસ મામાએ વાત માંડી…
સાલ કઇ હતી ઇ મને યાદ નથી… પણ અમીં બવ નાના. મારા કે હમીરાના હજી લગન પણ નો’તાં થ્યાં… ઇ વખતની વાત… ઇ વખતે અમીં દાડિયુ કરતા. ઉધડાં કામ રાખતા…
ઇ વખતે ઘોઘાના રોકડિયા હનુમાનના મંદિરે એક બાપુ હતા. મંદિર ઇ વખતે આજે છે એવું ડેવલપ થયેલું નહોતું. ત્યાં અમુક ઓરડા બનાવવાનું કામ થવાનું હતું. એના પાયા ગાળવાનું કામ મેં અને હમીરાએ 200 રૂપિયામાં ઊધડું રાખેલું. બાપુએ કીધેલું – “પાયા ગાળી નાખો એટલે 200 રુપિયા રોકડા આપીશ…”
હું ને હમીરો બીજે દિવસે સવારે કામ પર હાજર થઇ ગયા…
પાયાનું કામ પાયેથી શરુ કર્યું. બપોર પડવા આવી. બાપુ આંટા મારતા મારતા અમીં કામ કરતા’થા ન્યા આવ્યા. અમને ક્યે- “છોકરાવ તુમારા બપોર કા ખાને ક્યા હૈ… ટીફીન-બીફીન લાયે હો?”
 તો અમી કીધું- “બાપુ અમારા કાંઈ નક્કી નહીં હોતા… અમીં કા’રેક ખાઈ ભી લેતા હૈ ઔર કા’રેક નંય ખાતે તો ભી ચલ જાતા હૈ…”
 તો બાપુ વિચારમાં પડી ગયા. થોડી વારે ફરી બાપુ અમારી પાસે આવ્યા. અમને કહે- “છોકરાવ તુમ કો ખાના પકાના આતા હૈ?”
 તો અમે કીધું- “શાક-રોટલા તો નંય આવડતા. ભાખરાં બનાવતાં આવડતા હૈ…”
બાપુ અમને એમના રસોડાંમાં લઇ ગયા. રસોઇનો બધો સામાન હતો. લોટ, કાચું સીધું વગેરે બતાવ્યું. એક ધીનો મોટો બરણો બતાવ્યો. એક મોટા બરણાંમાં મરચું હતું. લાલ દળેલાં મરચાંનો આટલો મોટો જથ્થો જોઈને હમીરાની આંખ્યુ ચમકી. અમે કીધું- “બાપુ, શાક કી જરુર નૈ હૈ… તેલ-મરચાં ઔર ભાખરી ખા લેંગે…”
 અમે અમારા માટે અને બાપુ માટે ભાખરી બનાવી. બાપુએ જી ખાવું હોય ઇ ખાવાની તો પ્રેમથી છૂટ્ટી આપી હતી. હમીરાએ બાપુના ટીફીનનાં ખાનામાં ઘી અને મરચું બરોબ્બરનું ‘હડોવ્યું.’ મારા માટે પણ ઘી-મરચાનો ‘પેગ’ બનાવ્યો. અમે જાપટવાનું ચાલુ કર્યું. અને કેવી મજા પડી…! વાત કરો મા એવી…!હમીરો તો મરચું ખાવાનો માસ્ટર. અને હું ય કાંય ઓછો નહોતો. અમે ટીફીનના દસ-બાર ખાનાં ભરીને ઘી-મરચું ઉલ્લાળી ગ્યા… આવી મજા તો મોટી મોટી પાલ્ટીયુમાં નો’તી આવી. જમ્યા… બરાબરનું… ઓડકાર ખાધા…
 બાપુ કહે- “હરખા જમ લિયા?”
અમે કીધું- “હમ્મ… હમ તો જો ભી મિલતા હૈ, ખા લેતે હૈં…”
 અમે બાપુને એવું કીધું નહીં કે આમાં તો અમને દુનિયાનો જલ્સો પડી ગયો…
 અમે નક્કી કર્યું કે હવે રોજ ઘી-મરચાંવાળી કરવી છે. ત્યે 200₹નું જી કામ અમીં બે દિવસમાં પૂરું કરી નાખીએ ઇમ હતા ઇ કામ અમીં તણ્ય દિવસે પૂરું કર્યું….! અને એક બરણાંમાં ભરેલું પાંચ કીલો મરચું અને બીજા બરણાં ભરેલું આઠ કિલો ઘી પણ પૂરું કર્યું….
કામ કમ્પ્લિટ… બાપુને અમે ગાળેલા પાયા બતાવી દીધા. અને પૂછ્યુ- “બોલો બાપુ, અમારા કામથી સંતોષ?”
 બાપુ કહે- “હા, પૂરો સંતોષ…”
 હવે બાપુ ય ગુજરાતીમાં બોલવા મંડ્યા’તા અને અમીંય ગુજરાતીમાં જ બોલવા મંડ્યા’તા… ત્યે અમે કીધું- “તો અમીં નીકળઈં, બાપુ…?”
 બાપુ કહે- “હા, નીકળો…”
 અમે ચૂપ થઇ ગયા. ચૂપચાપ બાપુ સામે ઊભા રહ્યા. બાપુ અમારી સામે જોઈ રહ્યા. અમે બાપુ સામે….
 આખરે બાપુએ મૌન તોડ્યું- “તમે નીકળો…”
 અમે કીધું- “પૈસા આપી દ્યો… બસ્સો રુપિયા… એટલે અમે નીકળીએ…”
બાપુ પાછા વળ્યા. મેં વિચાયું કે બાપુ પૈસા લેવા જાય છે. પણ બાપુ લાકડાનો બડિકો લઇને પાછા ફર્યા. દૂરથી જ એમણે અમને ગુસ્સાભર્યો બાંગોટો પાડ્યો: “ભાગો તમારી માના…”
 બાપુએ “મણ મણની” જોખવાનું ચાલુ કર્યુ…
“પાંસ કિલો મરસું ને આઠ કિલો ઘી ઝાપટી ગ્યા…  ને પાસા ફદિયાં જોવે સે…!?”
– એમ કહેતાંક ને બાપુએ બડીકાનો છૂટો ઘા અમારા ઉપર ફેંક્યો….અમે મુઠીયુ વાળીને ખેંતળાવ્યાં… રતનપર એક ફટકે આવી ગયું…!!!
 આ રીતે બોસ મામાએ એમની વાત પુરી કરી. નાનપણમાં હમીરભાઇ અને બોસ મામા મારા પાડોશી હતા અને હમીરભાઇને મેં વાટકા ભરી ભરીને તેલ-મરચું-રોટલો દાબતા જોયેલા. એ રીતે જોયા ન હોત તો હું બોસ મામાની વાત માનત પણ નહીં. વાત એમણે પૂરી કરી. પૂરી જ થઇ ગઇ ગણાય… પણ તોય મારી અંદર રહેલા બાળકે બોસ મામાને સવાલ કરી જ લીધો…
“પછી શું થયું…???!”
 બોસ મામા કહે- “પછી શું થાય ?! ઇ બાપુ જ્યાં લગણ ઇ મંદિરે રહ્યા ત્યાં લગણ અમીં ઇ રસ્તેથી વટતા નહોતા…”