ઈરાનના લશ્કરી વડાએ અમેરિકાને ગંભીર ચેતવણી આપી છે. ઈરાની લશ્કરી વડાએ કહ્યું છે કે જા યુએસ દળો તેમના દેશમાં ઉતરશે, તો એક પણ હુમલો કરનાર બચી શકશે નહીં. મેજર જનરલ અમીર હતામીએ ઈરાનના રાજ્ય ટેલિવિઝન પર પ્રસારિત એક કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, “આપણા દેશમાંથી યુદ્ધનો પડછાયો દૂર થવો જાઈએ અને બધા માટે સુરક્ષા હોવી જાઈએ.”
આ દરમિયાન, એક ઈરાની લશ્કરી પ્રવક્તાએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે તેહરાન પાસે શસ્ત્ર અને દારૂગોળોનો છુપાયેલો ભંડાર છે. ઈરાની લશ્કરના “ખાતમ અલ-અંબિયા” કેન્દ્રીય મુખ્યાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ ઇબ્રાહિમ ઝોલ્ફાઘરીએ આ નિવેદન આપ્યું. તેમણે દાવો કર્યો, “તમે જે કેન્દ્રોને નિશાન બનાવવાનું વિચારો છો તે નજીવા છે. અમારું વ્યૂહાત્મક લશ્કરી ઉત્પાદન એવી જગ્યાએ થાય છે જ્યાં તમને કોઈ જાણકારી નથી, અને તમે ક્યારેય પહોંચી શકશો નહીં.”
યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધે હજારો લક્ષ્યોને નિશાન બનાવ્યા છે, જેમાં લશ્કરી થાણાઓ, મિસાઈલ લોન્ચર અને અન્ય સ્થળોનો સમાવેશ થાય છે. હાલમાં, ઈરાન દ્વારા મિસાઈલ હુમલાઓમાં ઘટાડો થયો છે, પરંતુ તેહરાન હુમલાઓ કરવામાં સક્ષમ છે. તાજેતરમાં, ઇઝરાયલી લશ્કરે, લશ્કરી કાર્યવાહી વિશે માહિતી આપતી વખતે, જણાવ્યું હતું કે ઈરાન અને તેના પ્રોક્સીઓ સામે ૪,૦૦૦ થી વધુ લક્ષ્યો તેમજ ૧૦,૦૦૦ થી વધુ આતંકવાદી લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.
ઈરાની મીડિયા આઉટલેટ્‌સ અનુસાર, ઈરાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હવાઈ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ એ જ મંત્રી છે જેમણે એક સમયે સંકેત આપ્યો હતો કે તેહરાન પરમાણુ શસ્ત્ર વિકસાવવાનો પ્રયાસ કરી શકે છે. અહેવાલો અનુસાર, બુધવારના હુમલામાં ૮૧ વર્ષીય કમાલ ખરાઝી ઘાયલ થયા હતા અને તેમની પત્નીનું મોત નીપજ્યું હતું. તે સ્પષ્ટ નથી કે હવાઈ હુમલાનું નિશાન ખરાઝી હતું કે નજીકના અન્ય વિસ્તારમાં. યુદ્ધ શરૂ થયા પછી, ખરાઝીએ સીએનએન સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે તેમને હવે રાજદ્વારી માટે કોઈ જગ્યા દેખાતી નથી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ અન્ય લોકોને છેતરતા રહ્યા હતા અને તેમના વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા હતા. “જ્યારે અમે વાટાઘાટોમાં રોકાયેલા હતા ત્યારે તેઓએ અમારા પર હુમલો કર્યો.”