ગુજરાતવ્યાપી દેકારો (છાનેખૂણે) છે કે “વેક્શન બેચ”ના નામે શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે અને તેની પણ મસ્ત મોટી ફીઓ ઉઘરાવવામાં આવે છે જે વાલીઓ માટે આર્થિક બોજારૂપ છે. આ પ્રકારની વેકેશન બેચની ન તો કોઈ શૈક્ષણિક સંસ્થાને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આ પ્રકારની મંજૂરી છે અને ન તો રાજ્ય શિક્ષણ બોર્ડ તરફથી અભ્યાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિયમો અનુસાર કોઈ પણ શાળા વેકેશન દરમ્યાન અનધિકૃત રીતે શૈક્ષણિક
પ્રવૃત્તિ શરૂ કરી શકે નહીં. જો શિક્ષણ વિભાગ આમાં સાચુકલા બનીને પગલાં લે તો તે અનેક અનેક ખાનગી શાળાઓને ‘‘અડી જાય’’ તેમ છે.
હાલના સમયમાં પુખ્તવયના વિદ્યાર્થીઓમાં વધતા જતા આત્મહત્યાના કિસ્સાઓમાં ખાસ કરીને ધ્યાન દોરવા જેવો મુદ્દો એ છે કે, વેકેશનનો હેતુ માત્ર શૈક્ષણિક વિરામ નહીં પરંતુ બાળકોના મનોવૈજ્ઞાનિક અને શારીરિક આરામ માટે પણ હોય છે. વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓએ મનોરંજન, કૌશલ્ય વિકાસ, પરિવાર સાથે સમય વિતાવવો અને માનસિક તાજગીને અનુભવવી જોઈએ. પરંતુ સ્કૂલો દ્વારા સમય પહેલા અભ્યાસ શરૂ કરવાથી વિદ્યાર્થીઓ પર અનાવશ્યક બોજ ઊભો થાય છે, જે તેમના સમગ્ર વિકાસ માટે નુકસાનકારક બની શકે છે. વેકેશન દરમિયાન શાળાઓ ચાલુ રાખવી એ રાજ્ય શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા વિરુદ્ધ છે. વાલીઓ પર આર્થિક દબાણ ઊભું થાય છે કારણ કે સ્કૂલો પુરતી ફી લઈને વેકેશન દરમ્યાન “અનૌપચારિક” વર્ગો ચલાવે છે. વિદ્યાર્થીઓના આરામ અને પોઝિટિવ માઈન્ડસેટને નુકસાન થાય છે. આવા કેસોની તાત્કાલિક તપાસ કરાવી આવી શાળાઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવી જોઈએ. વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક દબાણ ન આવે તેની ખાતરી માટે સ્પષ્ટ દિશાનિર્દેશ જારી કરવા જોઈએ. ખાનગી શાળાઓને ફી સંબંધી પારદર્શક અને નીતિબદ્ધ વ્યવસ્થા માટે પાબંદ કરવી જોઇએ. સરકારે જાહેર કરેલ વેકેશન સમય દરમિયાન જો કોઈ શાળાઓ શૈક્ષણિક કાર્ય શરૂ રાખે તે સંબંધિત ફરિયાદ નિવારણ હેલ્પલાઈન નંબર જાહેર થવો જોઇએ. હા, એક નંબર એવો હોવો જોઈએ.