કથાકાર બોલતો જાય અને એ કથા મનઃપટલ ઉપર ભજવાતી જાય. આખો મીંચેલી ન હોય તો પણ કથાની ઘટનાઓ ફિલ્મની જેમ આપણને દેખાય. છેલભાઈએ રામાયણનું ખલનાયકપાત્ર રાવણ એવી રીતે વર્ણવેલું કે એ દિવસોમાં હું ડબલું લઈને ખારસીમાં કળશે જતો ત્યારે મને બીક લાગતી કે રાવણ આવી જશે તો? રાવણને તો રામે જ મારી નાખ્યો છે એની વાત પણ છેલભાઈએ જ કરી છતાં એમના વર્ણનની પ્રબળતા એ હતી કે મને એમ થતું કે રાવણ નવો અવતાર લઈને અત્યારે આવ્યો હોય તો? હું રીતસર ડરતો. સીતાના ત્યાગનું વર્ણન છેલભાઈએ એવી રીતે કરેલું કે પહેલા ધોરણના પહેલા છત્રમાં જ હું એ છ વર્ષની ઉંમરે રામને નફરત કરતો થઈ ગયેલો. રામ પ્રત્યે બાળકને નફરત થાય એવો ઇરાદો છેલભાઈનો તો ન હોય પણ કોઈપણ બાબતનું સ્વતંત્ર અર્થઘટન મારા મનમાં બિલકુલ થતું. રામથી સીતાને આ રીતે છોડી શકાય જ કેમ?
પણ પહેલા ધોરણના શિક્ષકે કહેલી રામકથાની જે ઇમ્પેક્ટ મારા મન ઉપર થઈ એવી કોઈ ઇમ્પેક્ટ રામ પારાયણ દરમિયાન વજુભાઈની કથાથી મારા ઉપર ન થઈ. વજુભાઈ તમે છેલભાઈની તોલે ના આવો…
તેમ છતાં એક વાત તો ખરી કે વજુભાઈ ભલે મારા દિમાગ ઉપર ચિત્રો પેદા કરી શક્યા નહીં પણ એમની કથન શૈલી મારા દિમાગમાં ડોલવા લાગી. વજુભાઈ તુલસીકૃત રામાયણની ચોપાઈઓ ગાય અથવા એનું પઠન કરે અને પછી એ ચોપાઈ સમજાવે કે કવિ કહેવા શું માંગે છે. મારા દિમાગમાં વજુભાઈની સ્ટાઈલ વળગવા લાગી. કથાકાર બનવાનું મન થવા લાગ્યું. અને વળી એ પણ ઇન્સ્ટન્ટ. પણ મને સાંભળે કોણ?
મારા ગ્રાન્ડ મધર ખાટુમાને મારાથી કહેવાતાં કહેવાઈ ગયુંઃ “મારે કથાકાર બનવું છે.
તો એમણે કીધુંઃ ગાંડીનો થાતો બંધ થા… આપડે કોળી કેંવાઈં… આપડાંથી કથા વંસાય? ભામણ હોય ઈ ત્ કથા વાંશી એકે…
પણ કથાકાર બનવા માટે મારે શ્રોતાની તાણ્ય નહોતી. મારા એકે હજારા સમાન શ્રોતા મારા મધર હતા. હું અને મારી મા બાવળના બળતણ કાપવા માટે વાડીએ જતા. મારા મધર ના હાથમાં રહેલી કુહાડી ધીમી ગતિથી બળતણ કાપતી જાય, મારા હાથ ધીમી ગતિથી માએ કાપેલા બળતણની કોળી કરતા જાય અને પ્રબળ ગતિથી મારા મુખેથી કથાકાર વ્યાસપીઠ પરથી કથા કહેતો હોય તે રીતે કથા કહેવાતી જાય જાય. વ્યાસપીઠની કોઈ જરૂર નહીં… કથા સાથે જ મતલબ અને કથા કહેવાવા સાથે જ મતલબ. બસ એક શ્રોતા ચાહિયે કથાકાર કે લિયે. અને અહીંયા તો એકે હજાર સમાન મારા મધર. વજુભાઈ જે ચોપાઈઓ ગાતા તે મને યાદ રહી જતી અને એની સમજૂતી આપતા તે પણ યાદ રહી જતી. વાત બેઠે બેઠી હું મારા મધરને વજુભાઈની જ શૈલીમાં સંભળાવતો. હા અમુક ચોપાઈ અધુરી યાદ રહી હોય તો તે પૂરી કરવા માટે હું એની એ જ રીધમમાં અષ્ટમપષ્ટમ કશુંક ગણગણી જતો. મારા મધર એ પણ ચલાવી લેતા અને રસપૂર્વક સાંભળતા. વચ્ચે વચ્ચે ક્યારેક મને એવું લાગે કે માનું ધ્યાન મારી કથામાં ઓછું છે અને બળતણ કાપવામાં વધુ છે, તો મેં કહેલી કથામાંથી હું એમને પ્રશ્નો પણ કરતો, તો એના એ પરફેક્ટ જવાબ આપતાં. એનાથી મને એક ખાતરી થતી કે કથા પ્રવાહ વેસ્ટ જઇ રહ્યો નથી. મારા મધર મને એવી રીતે સાંભળતા જાણે એક મહાન કથાકાર આકાશમાં રહેલી કોઈ વિરાટ વ્યાસપીઠ પર બેસીને કથા સંભળાવતો હોય અને પોતે પૃથ્વી પર સાંભળી રહ્યા હોય. મને એ એવી રીતે સાંભળતાં કે જાણે હું ગુરુ હોઉં અને એ મારાં પટ્ટશિષ્ય હોય.
( અને ગુરુ કંઈ તોફાને ચડે તો એ જ ગુરુને એ જ શિષ્ય દ્વારા નાખણાવાળી પણ થતી. નાખણાનું મેનુઃ ઘમપાક, ઢીકાપાક, ચોંટીયાપાક વગેરે. આ બધા જ પાકના નામ મારા મધરે પાડેલા છે અને આ શબ્દો મેં બીજે ક્યાંય સાંભળ્યા નથી. તમે નહીં સાંભળ્યા હોય તો પણ એ તમને સમજાય જશે. મારા મધર એમ પાછા સાવ ભાવનાત્મક ભાભો પણ ન હતા, જરૂર પડ્યે એ “મારકણી મમ્મી” પણ બની જતાં. પણ…)
આ રીતે મારા મધરે મને એક કથાકાર બનાવ્યો. મને કથાકાર બનાવવામાં મારા મધરના વ્રત વિશ્વનો પણ એક મોટો ફાળો છે. વ્રતોના ઉજવણામાં હું ઓફિસિયલ કથાકાર બની રહેતો.
હું અને મારા મધર બારેમાસ કોઈકને કોઈક વ્રત કરતા જ રહેતા. એ દિવસોમાં બુધેલમાં એક વખત મોરારીબાપુની રામકથાનું આયોજન હતું અને અમે આ કથા સાંભળવા ગયેલા. ત્યાં મેં અને મારા મધરે બે ચોપડીની ખરીદી કરેલી. એક ચોપડીમાં મોરારીબાપુની રામકથા હતી. મેગેઝીન જેવી એ ચોપડીમાં મોરારીબાપુ જે કથા વાંચે કે બોલે છે એ જ કથાનું બેઠે બેઠું ડિક્ટેશન તેમાં જોવા મળેલું. અને બીજું પુસ્તક એટલે કે વ્રત કથાઓ. ગોપાલ પંચાલ ‘મધુર’ એના લેખક હતા. મારા મધર અગાઉ પણ વ્રત તો કરતાં જ રહેતાં પણ આ ચોપડી આવ્યા પછી વ્રતોમાં ઇજાફો આવ્યો. એમની સાથે વ્રતોમાં હું પણ જોડાતો. કદાચ એકાદ બે ઇમ્પોસિબલ વ્રતોને બાદ કરતા તમામ વ્રત અમે મા-દીકરો કરતાં. મા દરેક વ્રતની વાર્તા મારી પાસે વંચાવતાં. હું કોઈ મોટા કથાકારની સ્ટાઈલમાં કથાઓ વાંચતો. મારા પાઠ્યપુસ્તકના દરેક પાઠ તો એ વારંવાર મારી પાસે વંચાવતા જ, પણ પાઠ્યપુસ્તક સિવાયની એક વિરાટ દુનિયામાં પણ મને એ આ રીતે લઈ ગયા.
naranbaraiya277@gmail.com








































