પહેલા ધોરણમાં એક તરફ કક્કો-બારખડી, અગિયારાથી વિશા સુધી પૂરું કર્યા પછી છેલભાઈએ અમને એબીસીડી શીખવવાનું શરૂ કર્યું એ પહેલા મારા મધરે મને એમના પર્સનલ કથાકાર તરીકે નિમણૂક આપી દીધી હતી. હું નવો નવો કથાકાર હતો. હિન્દી ફિલ્મોમાં નવી નિમણૂક પામીને આવનારા કોઈ પોલીસ અધિકારી કડક એક્શન લે તેવા સંજોગોમાં કોઈ પીઢ પાત્રો દ્વારા આ ડાયલોગ વારંવાર સાંભળવા મળેઃ ‘નયા હૈ, જોશીલા હૈ…’ હું પણ કથાકાર તરીકે નવો અને જોશીલો હતો. કક્કો બારખડી નવી નવી જ શીખી હોવાથી મને એ દિવસોમાં ઝડપનું નામ જાદુ કરવામાં મજા પડતી. હું એટલી ઝડપથી વાંચતો કે મારા મધર ઘણીવાર અટકાવીને મને કહેતાંઃ ‘ધીમે ધીમે વાંચ. કાં’ક હમજાય ઈ રીતે વાંચ…’
મારા મધર મને આ રીતે જેવું તેવું ખેંચાઈને મારી સ્પીડને રોકતા ત્યારે અંદરખાને મને મજા પડતી. નિશાળે છેલભાઈ વાંચનની સ્પીડ ઉપર જ ભાર મુકતા. અને આખા એ પહેલાં ધોરણમાં સૌથી વધુ સ્પીડથી વાંચવામાં મારું નામ પેલે નંબર હતું. મને થતું કે મને એટલી હદે વાંચતા આવડી ગયું છે કે હવે મને રોકવો પડે છે. મતલબ કે મને આવડવું જોઈએ એના કરતાં પણ વધારે આવડી ગયું છે! મારા મધરે કરેલી ખખડામણીને હું એક પ્રમાણપત્રમાં કન્વર્ટ કરીને મારા દિમાગ સમક્ષ મૂકતો. મા મને માપમાં વાંચવાનું કહેતા પણ હું ક્યારેક દાંડાઈએ ચડતો અને ફુલ સ્પીડે વાંચવા લાગતો અને પછી મા ખીજાય ત્યારે હું માપમાં આવતો પણ મને મનોમન પેલું પ્રમાણપત્ર મેળવવાનો આનંદ આવતો. ચોપડીનું એક પાનું એક મિનિટમાં વાંચી નાખતો. મારુ ટાર્ગેટ એક મિનિટમાં ત્રણ પાના વાંચી નાખવાનું હતું. સત્યનારાયણની કથા પૂર્વે થતી પૂજામાં પવનગતિએ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી વાંચતા બ્રાહ્મણને મેં જોયેલા. બ્રાહ્મણ ગતિથી દસ ગણી ગતિથી વાંચતા થવાનું મારું સપનું હતું. પહેલા ધોરણના પ્રથમ બે કે ત્રણ મહિનાની આ વાત છે. એ સમયે વર્ગમાં સૌથી વધુ ઝડપે વાંચી શકનાર વિદ્યાર્થી હું હતો. છેલભાઈ દરેક વિદ્યાર્થીને રોજ એક એક ફકરો વંચાવવાનો રાઉન્ડ કરતા. એક દિવસ રાઉન્ડ શરૂ થયો અને મેં બ્રાહ્મણવેગે વાંચવાનું શરૂ કર્યું. અને છેલભાઈએ મને અટકાવ્યો. અને આંકડી મારા તરફ તાકીને મોટા અવાજે કહ્યુંઃ ‘ શું ભડ ભડ ભડ ભડ ભડ લાગી પડ્‌યો છે? વાંચવામાં હંધાય કરતા ઠોઠ છો તું…’
છેલભાઈનું આ પ્રમાણપત્ર મને કઠી ગયું. જે છેલભાઈ અમે કક્કો બારખડી શીખ્યા પછી વાંચનની ઝડપ ઉપર ભાર મુકતા એ જ છેલભાઈ મારી ઝડપની કદર કરવાને બદલે મને ઠમઠોરી રહ્યા છે!
પણ એ જ દિવસથી એમણે આખા વર્ગને અલ્પવિરામ, પૂર્ણવિરામ આશ્ચર્ય ચિન્હ, પ્રશ્નાર્થ ચિન્હ વગેરે આવે ત્યારે કેમ અટકવું અને આરોહ-અવરોહ સાથે કેમ વાંચન કરવું તેની શરૂઆત કરી. મને એમાં પણ મજા પડેલી અને આરોહ-અવરોહવાળા વાંચનમાં પણ હું બરાબર સેટ થઈ ગયેલો.
દરમિયાન, અમારા ગામમાં વજુભાઇની કથા બેઠી. રતનપર આખું વજુભાઇની કથામાં ઓળઘોળ થઈ ગયું. સાત કે નવ દિવસનો એ રામ પારાયણ મહોત્સવ હતો. ગામ કથાકાર વજુભાઇ જાનીની સેવામાં ઓળઘોળ થઈ ગયું હતું. અકવાડાના વજુભાઇ બહુ સારા કથાકાર હતા છતાં ગ્રાઉન્ડ ટુ અર્થ પર્સનાલિટી હતા. ગામમાં વાતો થતી કે એમનું જીવન પણ ઊંચા પ્રકારનું (એટલે કે સાદું અને આધ્યાત્મિક) હતું. અમારાં જેવાં ટેણિયાં-ટાબરિયાં પણ કથા સાંભળવા અને પ્રસાદી ખાવા જતા. પ્રસાદીમાં બાળકોને કળી (બુંદી) અને ગાંઠીયા મળતા. માઇકમાં એવો સાદ પડતોઃ ‘ હાલો, હાલો… ગામના બાળકોને વિનંતી કરવામાં આવે છે કે પોતપોતાના વાસણો લઈને રામજી મંદિરે જમવા માટે પધારે.’ અને બાળકો પોત પોતાના વાસણો લઈને થાળીઓ ખખડાવતા ખખડાવતા કિલ્લોલ કરતા જમવા માટે પહોંચી જતા. હું જમવા કરતાં કથા સાંભળવા માટે વધુ જતો. એવું નહીં કે મને જમવામાં રસ ન હતો અને કથાનો જ રસિયો હતો. ઘરેથી થાળી લઈને ગામના ચોકમાં જમવા જવું હોય તો મારે પહેલા આખા ચોકમાં અને આસપાસની સંભવિત જગ્યાઓ પર એક સર્વે કરવો પડતો કે આટલામાં ક્યાંય મારા બાપા તો નથી ને? જો મારા બાપા ક્યાંય પણ બેઠા હોય તો જમના કેન્સલ એટલે કે જમવાનું કેન્સલ. સર્વે રિપોર્ટમાં એવું આવે કે આસપાસમાં ક્યાંય મારા બાપા બેઠા નથી અને પછી પણ હું એવો નિર્ણય કરું કે જમવા જવું છે તો જમતી વખતે પણ મારા બાપા મને જોઈ જાય તો સ્થળ ઉપર કશું જ ન કહે પણ ઘરે ડખો થઈ જાય. ઘરે મારા ઉપર લાફાવાળી થઈ જાય અને મારા મધર ઉપર ધોકાવાળી થઈ જાય. મારા મધર કપડાં ધોવાનો અમારો ધોકો સંતાડીને રાખતા પણ મારવા માટે ચૂલા પાસે રહેલા બાવળના બળતણમાંથી એકાદ સારો એવો જાડો બડીકો મારા બાપાને મળી રહેતો. ગામના બાળકો જે રીતે ગામ વચ્ચે જમવા જાય છે તે રીતે કોઈપણ પ્રકારના ધાર્મિક પ્રસંગે જમવા જવાની મારા બાપા તરફથી મનાઈ હતી. ધર્મના કામમાં સેવા કરવાની પણ ધર્માદાનું ખાવાનું નહીં. હું ઘરે તેલ-મરચું અને રોટલો ખાઈ લેતો. મરચામાં નાખવા માટે તેલ ન હોય તો પાણી પણ ચાલે. પણ કથા સાંભળવા માટે તો ગામના વડીલો પણ છોકરાઓને બેસવાનું કહેતા. મારા બાપા મને કથા સાંભળવાની ના પાડી શકતા નહીં. ઉલટાનું હું કથા સાંભળવા જાઉ એ એમને ગમતું. રામાયણની કથા સાંભળવાની મને અત્યંત મજા પડતી. સવાર અને સાંજની, બંને પાળીમાં હું વજુભાઈની કથા સાંભળતો. રામકથા પહેલી વહેલી શિક્ષક છેલભાઈએ નિશાળમાં સંભળાવેલી ત્યારે તો રામાયણની વાર્તા મારા મનઃપટલ ઉપર ભજવાયા કરતી. નિશાળમાં પહેલા જ ધોરણમાં એન્ટર થયેલા બાળકને છેલભાઈ બાળભાષામાં રામાયણ કહીને આકર્ષી લેતા. કથા સાંભળતી વખતે આપણા મનમાં એક ચિત્ર ક્રિએટ થાય છે. (ક્રમશઃ)