(૧)તમને ક્યારેય સાધુ થવાનો વિચાર આવે છે?
અમુલ વ્યાસ (શિહોર)
તમારો સવાલ વાંચ્યો એટલે આવવા માંડ્‌યો છે!
(૨)વેકેશન પડયુ શિક્ષકો માથે કે વિદ્યાર્થીઓ માથે ?
ડાહ્યાભાઈ ઝ. આદ્ગાજા (લિલીયા મોટા )
ફરવા કે સગાસંબંધીઓને મળવા ન જવાય તો શિક્ષકો માથે પડ્‌યું કહેવાય અને રજા હોવા છતાં ટ્યૂશનમાં જવું પડે તો વિદ્યાર્થીઓ માથે પડ્‌યું ગણાય.
(૩) એવું સંભળાય છે કે આ કોલમમાં, મારાં પ્રશ્નોનાં આપશ્રીએ આપેલા જવાબોથી ખુશ થયેલ સરકાર, આપને બુલેટ ટ્રેનનો આજીવન ફ્રી પાસ મને પણ સાથે લઇ જવાની શરતે આપનાર છે! તો શું આ ખરું હશે કે?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)
હા પણ એમ ઉતાવળા થઈને તમારી સાઇકલ વેચી ન નાખતા..!
(૪) શું આ ફોનનું વ્યસન થઈ ગયું હોય એવું લાગે છે?
અનિરુદ્ધસિંહ રાઠોડ (નવા વાઘણીયા)
ના રે.. મેં તો છેલ્લી સાત મિનિટથી ફોનને હાથ પણ નથી લગાડ્‌યો.
(૫) પુરુષો સાસરે જાય તો કેવું લાગે?
કટારીયા આશા (કીડી)
ધોની અમ્પાયરીંગ કરતો હોય એવું !
(૬)એકાદ લીંબુ ઉછીનું મળશે ?
નિતુલ દિનેશભાઈ ડાભી (બાબરા)
મોકલું પણ તમે તમારા ડ્રાઇવરને કાર લઈ મોકલો..સાથે એકાદ સિક્યુરિટીવાળાને પણ મોકલજો. સાવચેત રહેવું સારું.
(૭)કાખમાં છોકરું ને ગામમાં ગોત્યું. આવું કેમ ?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
ધ્યાન મોબાઈલમાં હશે.
(૮)આપણે કોઈ બીજી સ્ત્રીને બેસાડીને પસાર થતાં હોઈએ અને ભૂલથી ટ્રાફિક સિગ્નલ તુટી જાય અને ફોટાવાળો ઈ મેમો ઘરે આવે અને આપણી પત્ની જુએ તો શું કરવું?
મહેન્દ્ર મકવાણા સોખડા રાધુ (કરજણ-વડોદરા)
પત્ની કહે ઇ..!
(૯) લોખંડ માથે કાટ હોય માણસ માથે?
રામભાઈ પટેલ(સુરત)
ટકા.
(૧૦) સૌથી સારો વાર કયો?
ભગીરથભાઈ જાડેજા (અમદાવાદ)
સારા વાર અને સારા વર બાબતે બધાની પસંદગી અલગ અલગ હોય.
(૧૧) દવાદારૂ સાથે કેમ બોલાય છે?
તન્મય શાહ (રાજકોટ)
ભલે બોલાય..તમે બેયથી દૂર રહેજો.
(૧૨) એવું કયું ફોર વ્હીલ છે જેનો માલિક ગરીબ હોય શકે?
ગણપત ઓડેદરા(જૂનાગઢ)
હાથલારી.
(૧૩) હું એક ટીવી ચેનલ જોતો હતો ત્યારે એના એન્કર બોલ્યા કે અમારી ચેનલ રસપૂર્વક જોવા બદલ આપનો આભાર.. પ્રશ્ન એ છે કે એને કેમ ખબર પડી હશે કે હું એની ચેનલ જોઈ રહ્યો છું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
એને ખબર હોય કે એની ભંગાર ચેનલ તમારા સિવાય બીજું કોઈ ન જુએ.
(૧૪)તરબૂચ ભાવે પણ એમાં વારેવારે બી આવ્યા કરે એટલે મજા બગડી જાય છે. કોઈ રસ્તો?
ઉન્નતિ મહેતા(રાજકોટ)
ટેટી ખાવ.
(૧૫)”નારી શક્તિ”કહેવાય છે, તો” નર શક્તિ “ શા માટે નહીં?
હરિભાઈ ધોરાજીયા (લીલિયા મોટા)
શક્તિ શબ્દ જ નારી જાતિનો છે એટલે નારી સાથે જ બોલવો પડે. પુરુષો માટે અંગ્રેજીવાળાએ વ્યવસ્થા કરી છેઃ મેનપાવર ! બાય ધ વે, નારી શક્તિનો અનુભવ તો નથી થયોને? આ તો ખાલી પૂછું છું!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..