ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં, ટીમ ઇન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે હવે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. આ સંદર્ભમાં, તેણે વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો. આ એક જ છગ્ગા સાથે, પંત હવે ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં પંત ૨૭ રન બનાવીને આઉટ થયો હતો.દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ઇનિંગમાં તેણે ફટકારેલી પહેલી સિક્સ સાથે, તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારનાર બેટ્સમેન બન્યો. પંતે અત્યાર સુધી કુલ ૯૨ સિક્સ ફટકારી છે, જ્યારે વીરેન્દ્ર સેહવાગે કુલ ૯૦ સિક્સ ફટકારી હતી. રોહિત શર્મા ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારનાર બેટ્સમેનોની યાદીમાં ત્રીજા ક્રમે છે, ૮૮ સિક્સ સાથે, જ્યારે રવિન્દ્ર જાડેજા ચોથા ક્રમે છે, જેણે ટેસ્ટમાં ૮૦ સિક્સ ફટકારી છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની ૭૮ સિક્સ સાથે પાંચમા ક્રમે છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારનાર ભારતીય બેટ્સમેન
૯૨ – ઋષભ પંત
૯૦ – વીરેન્દ્ર સેહવાગ
૮૮ – રોહિત શર્મા
૮૦ – રવિન્દ્ર જાડેજા
૭૮ – એમએસ ધોની
ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયા બાદ ઋષભ પંત મેદાનમાં પાછો ફર્યો છે. કોલકાતા ટેસ્ટના પહેલા દાવમાં પંતે ૨૪ બોલમાં ઝડપી ૨૭ રન બનાવ્યા, જેમાં બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા. પંત ઝડપી ગતિએ બેટિંગ કરી રહ્યો હતો અને મોટી ઇનિંગ માટે તૈયાર દેખાતો હતો. જાકે, કોર્બિન બોશના બોલ પર તે છેતરાઈ ગયો અને સ્ટમ્પ પાછળ કાયલ વેરેન દ્વારા કેચ આઉટ થયો.ટેસ્ટ મેચની વાત કરીએ તો, બીજા દિવસે લંચ બ્રેક સમયે ભારતનો સ્કોર ચાર વિકેટે ૧૩૮ રન હતો. ટીમ ઇન્ડિયા હાલમાં મુશ્કેલીમાં છે. પહેલા સત્રમાં, ભારતે કેએલ રાહુલ, ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદરના રૂપમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન શુભમન ગિલ ઈજાને કારણે મેદાન છોડી ગયો હતો. ગિલની ઈજાની ગંભીરતા અંગે કોઈ અપડેટ નથી. ધ્રુવ જુરેલ ૫ અને રવિન્દ્ર જાડેજા ૧૧ રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે.















































