ઉના તાલુકાના માઢ ગામ નજીક નેશનલ હાઈવે પર રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે બાઈકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકનો ભુક્કો બોલી ગયો હતો અને બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે સમયસર સારવાર મળતા ચાલકનો જીવ બચી ગયો હતો. આ વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા થતી ખનન પ્રવૃત્તિને કારણે ડમ્પર અને ટ્રેક્ટર નેશનલ હાઈવે પર બેફામ અને રોંગ સાઈડમાં દોડતા હોવાથી અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. લોકોની સલામતી જોખમાઈ રહી હોવાથી પોલીસ દ્વારા સીમાસી ગામથી કેસરિયા સુધીના નેશનલ હાઈવે પર નિયમિત પેટ્રોલિંગ કરી રોંગ સાઈડમાં દોડતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.