ઉના તાલુકાના નવાબંદરના રહેવાસી અને હાલ ઉનામાં શાહ એચ.ડી. હાઈસ્કૂલ સામે રહેતા ૩૦ વર્ષીય કાજલબેન વાઢેરે પોતાના ઘરના રસોડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. તેઓ જાફરાબાદ મોડલ સ્કૂલમાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે તેમની માતાએ કાજલબેનને રસોડાના પંખા સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. તેમણે બૂમાબૂમ કરતા પરિવારના અન્ય સભ્યો જાગી ગયા હતા. તાત્કાલિક ૧૧૨ નંબર પર જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કાજલબેનને ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. કાજલબેન તેજાભાઈ વાઢેરની પુત્રી હતા. પરિવારમાં બે પુત્રી અને એક પુત્ર છે, જેમાં મોટી પુત્રીના લગ્ન થઈ ગયા છે. કાજલબેનને જુલાઈ મહિનામાં જાફરાબાદ મોડલ સ્કૂલમાં સરકારી શિક્ષક તરીકે નોકરી મળી હતી. નવાબંદરથી જાફરાબાદ અપડાઉન કરવામાં વાહનવ્યવહારની સમસ્યાને કારણે કાજલબેનના ભાઈ રાકેશભાઈ પરિવાર સાથે ઉના રહેવા આવી ગયા હતા. કાજલબેન ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને તેમનો પરિવાર સ્વાધ્યાય પરિવારમાં શ્રદ્ધા રાખે છે. તેઓ આ પગલું ભરશે તેવું પરિવાર માની શકતો નથી.









































