ઉના અને ગીરગઢડા તાલુકાના સમસ્ત કોળી સમાજની એક અગત્યની બેઠક ઉનાના માધવબાગ વાડી ખાતે યોજાઈ હતી. ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં સમાજના ઉત્થાન અને સંગઠનને મજબૂત કરવા પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કોળી સમાજના અગ્રણીઓએ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને યુવાધનને વ્યસનોથી દૂર રાખવા માટે ખાસ અપીલ કરી હતી. સમાજ વધુ સંગઠિત બને તે બાબત પર હાજર તમામ આગેવાનોએ ભાર મૂક્યો હતો.ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમાજે હવે રાજકીય ક્ષેત્રે પણ આગળ આવવાની જરૂર છે. તેમણે ખાસ કરીને ખર્ચાળ લગ્નોનો ત્યાગ કરી, દીકરા-દીકરીઓને સમૂહલગ્ન જેવા આયોજનોમાં પરણાવવા માટે સમાજને હાકલ કરી હતી.આ બેઠકમાં કોળી સમાજના અનેક દિગ્ગજ આગેવાનો હાજર રહ્યા હતા.










































