ઉનાળાની ઋતુ આવે તે પહેલાં જ સામાન્ય માણસને મોટો ઝટકો લાગી શકે છે. આ વખતે એર કંડિશનર (એસી) ખરીદવું તમારા ખિસ્સા પર બોજ બની શકે છે. તેનું કારણ એલપીજી (લીક્વીફાઇડ પેટ્રોલિયમ ગેસ) ની અછત છે, જેણે દેશના એસી ઉત્પાદન ઉદ્યોગને મુશ્કેલીમાં મુકી દીધો છે. કંપનીઓ વધતા ખર્ચ અને પુરવઠા અવરોધોનો સામનો કરી રહી છે, જેની સીધી અસર ગ્રાહકો પર પડશે. રિપોર્ટ અનુસાર, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને પુરવઠા શૃંખલામાં વિક્ષેપોને કારણે એલપીજીની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે. સરકારે સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપી છે, જેના કારણે ઉદ્યોગને એલપીજીનો પુરવઠો ઓછો થયો છે.
એલપીજીનો ઉપયોગ મુખ્યત્વે બ્રેઝિંગ માટે થાય છે, જે એસી ઉત્પાદન પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેથી,એલપીજીની અછત ઉત્પાદન પર અસર કરી રહી છે. એલપીજીની અછતને કારણે, ઘણી કંપનીઓએ ઓક્સીએસિટિલીન ગેસનો ઉપયોગ શરૂ કર્યો છે. જા કે, આ વિકલ્પ મોંઘો છે અને તેનો પુરવઠો પણ આયાત પર આધારિત છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં ચૂનાના પથ્થરની આયાતનો લગભગ ૯૪% મધ્ય પૂર્વમાંથી આવે છે, જેના કારણે આ વિકલ્પ સંપૂર્ણપણે સુરક્ષિત નથી.
વધતા ખર્ચની અસર હવે ગ્રાહકો સુધી પહોંચી રહી છે. ઘણી કંપનીઓએ પહેલાથી જ ભાવમાં ૫% થી ૧૦% વધારો કર્યો છે. કેટલીક મોટી કંપનીઓએ એસીના ભાવમાં ૧૦% સુધીનો વધારો કર્યો છે, જ્યારે અન્ય ઉત્પાદનોમાં પણ ૫% સુધીનો વધારો જાવા મળ્યો છે. જાન્યુઆરી ૨૦૨૬ થી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગયા વર્ષે નબળા ઉનાળા અને આ વર્ષે ઉત્તર ભારતમાં કમોસમી વરસાદને કારણે એસીની માંગ પર અસર પડી છે. કંપનીઓ બેવડી મુશ્કેલીનો સામનો કરી રહી છે. નિષ્ણાતો માને છે કે વધતા ખર્ચ અને નવા સ્ટાર રેટિંગ નિયમોને કારણે, કંપનીઓએ ભાવમાં ૮% થી ૧૪% વધારો કરવો પડી શકે છે. જ્યારે બ્રાન્ડ્સ અપેક્ષા રાખે છે કે ઉનાળો આગળ વધતાં વેચાણમાં સુધારો થશે, ત્યારે ઉત્પાદક કંપનીઓ માટે પડકારો રહેશે.










































