ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામે લોહીના સંબંધોને લજવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર ૧૨ વીઘા જમીન પચાવી પાડવાની લાલચમાં બે પિતરાઈ ભાઈઓએ પોતાની જ ૨૫ વર્ષીય બહેન મનસુબેન ગોહિલની નિર્મમ હત્યા કરી નાખી છે. મૃતક યુવતીના માતા-પિતા હયાત ન હોવાથી તે એકલી રહેતી હતી અને વારસામાં મળેલી જમીન પર તેના પિતરાઈ ભાઈઓ વિક્રમ વિરાભાઈ ગોહિલ અને મનુ કનુભાઈ ગોહિલની મેલી નજર હતી. આરોપીઓએ બહેનને તેના પ્રેમી સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. ગત ૨૦મી તારીખે લગ્નની વાતચીત કરવાના બહાને વિક્રમ તેને પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં બંને ભાઈઓએ મળીને મનસુબેનનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પાપ છુપાવવા માટે આરોપીઓએ બહેનને ‘હાર્ટ એટેક’ આવ્યો હોવાનું તરકટ રચ્યું અને ઉતાવળે સ્મશાનમાં અંતિમ સંસ્કાર પણ પતાવી દીધા હતા. જોકે, મૃતકના પ્રેમીને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. ઉના પોલીસે ૭ દિવસની સઘન તપાસ અને FSLની મદદથી આ બંને નરાધમ ભાઈઓની ધરપકડ કરી છે. પોલીસને આ ગુનામાં અન્ય લોકોની સંડોવણીની પણ આશંકા છે.










































