ઉનાના ગીરગઢડા રોડ ઉપર વર્ષોથી સુગર મિલ બંધ હાલતમાં છે. આ સુગર મિલના મેદાનમાં ગાંડા બાવળો અને ઝાડી ઝાંખરાના જંગલો ઊગી નીકળ્યા છે. આજે બપોરે અચાનક અગમ્ય કારણસર આ ઝાડી ઝાંખરાના જંગલમાં જોતજોતામાં વિકરાળ આગ લાગી હતી અને ખૂબ મોટા વિસ્તારમાં આગ ફેલાઈ હતી. જોકે ગુજકોમાસોલના ગોડાઉન પાસે આગ ના પહોંચે તે માટે બુલડોઝર દ્વારા ત્યાંથી ઝાડીઓ દૂર કરવામાં આવી હતી. આગના પગલે ઉના નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરાતા બે ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ વિસ્તારમાં આગના કારણે બાવળના જંગલ બળીને ખાક થઈ ગયા હતા પરંતુ કોઇ જાનહાનિ થઈ નહોતી.