૨૨ વર્ષીય ઘરકામ કરનારી યુવતી દ્વારા ગત ૨૪ જુલાઈ ૨૦૨૫ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એક ગામના પોતાના રહેણાંક ઘર ખાતે એસિડ પી લેતા સારવાર દરમિયાન તેણીનું ભાવનગર ખાતે ૩૦ જુલાઈ ૨૦૨૫ ના રોજ સરકારી હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે મૃતકની ૪૦ વર્ષીય માતા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ઉનાના રહેવાસી ફારુક જેઠવા વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૬૪(૧), ૧૦૮, ૩૫૧(૨), ૩૫૧(૩) સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે.
પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકની ૪૦ વર્ષીય માતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગત ૨૨ જુલાઈ ૨૦૨૫ ના રોજ દીકરી પોતાને કળતર તેમજ શરદી જેવું છે જેથી ગામમાં દવા લેવા જવાનું કહી ઘરેથી નીકળી હતી. પરંતુ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા દીકરીની આજુબાજુમાં તેમજ ગામમાં તપાસ કરી તેમ છતાં તેની ભાળ નહોતી મળી. ત્યારે બીજા દિવસે દીકરી ઘરે પરત આવી હતી તેમ તેની સાથે ફારુક જેઠવા પણ ઘરે આવ્યો હતો. તેમજ ફારુકે ધમકી આપતા કહ્યું હતું કે, હું તમારી દીકરીને લઈ ગયેલ તે બાબતની પોલીસમાં જાણ કરી અથવા તો પોલીસ કેસ કર્યો છે તો તમને આખા પરિવારને જાનથી મારી નાખીશ. ત્યારબાદ દીકરી આખો દિવસ કંઈ બોલ્યા વગર ગુમશુમ રહેતી હતી. પરંતુ બાદમાં તેને પૂછતા તેણે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે દવા લેવા ગયેલ ત્યારે ફારુક મારી પાસે આવ્યો હતો. તેમજ લગ્ન કરવાની લાલચ આપતા હું તેની લાલચમાં આવી ગઈ હતી. તેમજ તેની સાથે લગ્ન કરવા માટે જતા તે મને અજાણી જગ્યાએ લઈ ગયો હતો. તેમજ મારી ના પાડવા છતાં તેણે બળજબરીપૂર્વક મારી સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.
દીકરીએ કહ્યું હતું કે મારે હવે જીવવું નથી મારે મરી જવું છે. ત્યારે અમે દીકરીને આશ્વાસન આપી જમાડીને સુવડાવી દીધી હતી. પરંતુ ૨૪ તારીખના રોજ સવારના સાત વાગ્યા આસપાસ દીકરી ઉલટી કરતી હતી. જેથી તેને પૂછતા તેણે જણાવ્યું હતું કે ફારુકે મારી સાથે બળાત્કાર કર્યો છે. જે વાત મારાથી સહન નથી થતી જેથી મેં બાથરૂમમાં એસિડ પી લીધું છે. ત્યારબાદ દીકરીને સારવાર અર્થે ઉનામાં દાખલ કરવામાં આવી હતી. તેમજ ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું છે.