ઉનાની સરકારી હોસ્પિટલમાં આજે બપોરના સમયે આત્મહત્યાના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના બની છે. નાઠેજ ગામના ૩૫ વર્ષીય નારણભાઈ ચનાભાઈ મારુ નામના યુવાને હોસ્પિટલમાં ડોક્ટરની ચેમ્બર બહાર જ ઝેરી દવા પી લીધી હતી. યુવાન દવા પીને ઢળી પડતા જ હોસ્પિટલ પરિસરમાં ભારે દોડધામ મચી ગઈ હતી. હાજર લોકોની બૂમાબૂમ સાંભળી હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક યુવાનને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, યુવાનની હાલત અત્યંત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે તાત્કાલિક વેરાવળ રીફર કરવામાં આવ્યો છે. હોસ્પિટલના અધિક્ષક ડો. મિશ્રાએ જણાવ્યું હતું કે, યુવાન નશાની હાલતમાં હોસ્પિટલ આવ્યો હતો અને તેની સ્થિતિ નાજુક છે. યુવાને કયા કારણોસર આ આત્મઘાતી ડગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી.








































