ઉના તાલુકાના સનખડા ગામમાં દોઢ વર્ષ પહેલા તાલુકા પંચાયત સભ્યની ગ્રાન્ટમાંથી રૂ. ૧.૫૦ લાખના ખર્ચે સોમનાથ મંદિર પાસે હાઈમાસ્ટ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો. આ ટાવર પર ૬ લાઈટો લગાવવામાં આવી હતી, પરંતુ છેલ્લા એક મહિનાથી આ લાઈટો બંધ હાલતમાં હોવાથી સનખડા સહિત આસપાસના સાત ગામોના લોકોને રાત્રિના સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સનખડા ઉપરાંત માણેકપુર, દુધાળા, ખત્રીવાડા, સોદરડી, મોઠા અને ગાંગડા ગામના લોકોને રાત્રિના સમયે અવરજવર કરતા લોકોને હાલ અંધારામાં પસાર થવું પડે છે. સનખડા ગામના યુવાન ગંભીરસિંહ ગોહિલે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક લાઈટોનું રિપેરિંગ કરાવી ફરીથી ચાલુ કરવાની માંગણી કરી છે. અધિકારીઓએ આ અંગે લાઈટો ચાલુ કરવાનું આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.