ઉના તાલુકાના વાવરડા ગામે જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કલેકટરે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તેમની સામૂહિક અને વ્યક્તિગત મુશ્કેલીઓ સત્વરે ઉકેલવા માટે હૈયાધારણા આપી હતી.ગ્રામજનોએ આ સભામાં ગામને જોડતા રસ્તાઓના પ્રશ્નો, સ્કૂલમાં પ્રાર્થનાખંડ મોટો કરવા અંગેની માંગ, ગામમાં આર.ઓ. પ્લાન્ટ દ્વારા પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, આંગણવાડીની કમ્પાઉન્ડ વોલ બનાવવા, આધારકાર્ડમાં સુધારા-વધારા, સ્કૂલમાં કમ્પ્યૂટરની ગ્રાન્ટના વપરાશ અને ઉપયોગ, તેમજ ખેતર-વાડીમાં જતા રસ્તાઓ ખુલ્લા કરવા સહિતના અનેક સામૂહિક અને વ્યક્તિગત પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેક્ટરે ગ્રામજનોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે સંકલન વિભાગના અધિકારીઓ પાસેથી તાત્કાલિક માહિતી એકત્રિત કરી હતી અને પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તે દિશામાં કામ કરવા માટે સૂચનો પણ કર્યા હતા.