ઉના તાલુકાના તડ અને પાલડી ગામ વચ્ચે આજે સવારે એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક (ય્ત્ન ૩૨ ્ ૩૦૯૨) અને બાઈક વચ્ચે થયેલી ધડાકાભેર ટક્કરમાં પાલડી ગામના ભરતભાઈ રૂપાભાઈ બાબરીયા (૪૦ વર્ષ) નું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે મૃતદેહના ટુકડે-ટુકડા થઈ ગયા હતા, જેને સ્થાનિક લોકોએ પાવડા વડે થેલીમાં ભેગા કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. ઘટના બાદ ટ્રકચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતક ભરતભાઈ વ્યવસાયે ફર્નિચરનું કામ કરતા હતા. તેમના નિધનથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોડના કામકાજ દરમિયાન સાઈન બોર્ડનો અભાવ અને બેફામ દોડતા ડમ્પરો આવા અકસ્માતો માટે જવાબદાર છે. નવાબંદર પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








































