ઉના તાલુકાના તડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની અનિયમિતતા સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારે ગ્રામ પંચાયતના સરપંચ ટપુભાઈ પરમારે કેન્દ્રની ઓચિંતી મુલાકાત લેતા કોઈ પણ જવાબદાર તબીબ કે સ્ટાફ હાજર ન હોવાનું જણાયું હતું. સરપંચે આ ગેરહાજરીનો વીડિયો બનાવી ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા સમગ્ર આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ૧૩ ગામોના લોકો જે કેન્દ્ર પર નિર્ભર છે, ત્યાં બપોરના સમયે પણ કામગીરી બંધ રહેતી હોવાની ફરિયાદો ઉઠી છે.
આ મામલે મેડિકલ ઓફિસરે સ્ટાફની બેદરકારીનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે, ગેરહાજર રહેલા કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો ભવિષ્યમાં સ્ટાફ સમયસર હાજર નહીં રહે અને દર્દીઓને હાલાકી પડશે, તો કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.