ઉના તાલુકાના ખાપટ ગામમાં મફત પ્લોટની ફાળવણીના મુદ્દે વહીવટી તંત્ર અને ગ્રામજનો સામસામે આવી ગયા છે. ગત ૧૪ ફેબ્રુઆરીએ ૧૯૫ પ્લોટની સનદ અપાયા બાદ વિવાદ વકર્યો છે. અનુસૂચિત સમાજનો આક્ષેપ છે કે, તેમને રહેવા લાયક જમીનને બદલે સ્મશાન અને પાણીના વહેણ વાળી અયોગ્ય જગ્યા પધરાવી દેવામાં આવી છે. આ અન્યાય સામે આજે ૧૦૦ થી વધુ મહિલા-પુરુષોએ પ્રાંત કચેરી ખાતે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે.
ઘટનાસ્થળે તપાસ દરમિયાન સ્મશાનની જમીન પર જેસીબી ફેરવતા માનવ હાડકાના અવશેષો મળી આવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. પ્રાંત અધિકારીએ સ્થળ મુલાકાત લીધી હોવા છતાં આંદોલનકારીઓએ પોતાની માંગ ન સંતોષાય ત્યાં સુધી છાવણી છોડવાનો ઇનકાર કર્યો છે. તંગ બનેલી પરિસ્થિતિને જોતા પ્રાંત કચેરી પર ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પ્લોટ રદ કરી નવી જગ્યાએ ફાળવણી નહીં થાય, તો આગામી સમયમાં ‘રસ્તા રોકો’ આંદોલન કરવામાં આવશે.







































