ઉના તાલુકાના ઓલવાણ ગામમાં પ્રથમ વખત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા આવતા સમગ્ર પંથકમાં કુતૂહલ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લાના તળાજાથી આવેલી આ જાનમાં વરરાજાનું અનોખું આગમન સ્થાનિકો અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે.ગામના ઇતિહાસની આ પ્રથમ ઘટનાની વિગત મુજબ, ઓલવાણ ગામના રહેવાસી હીરા દેવાયત કછોટની પુત્રી અવનીના લગ્ન તળાજાના ગીગા કાદુ ભાદરકાના પુત્ર ઘનશ્યામ સાથે નિર્ધારિત થયા હતા. લગ્ન પ્રસંગે જાનૈયાઓ અન્ય વાહનો મારફતે ઓલવાણ પહોંચ્યા હતા, જ્યારે વરરાજા ઘનશ્યામ ખાસ હેલિકોપ્ટર ભાડે કરીને પરણવા માટે આવ્યા હતા. વરરાજાના આગમન માટે ગામથી થોડે દૂર એક ખેતરમાં ખાસ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યુ હતુ. હેલિકોપ્ટર આકાશમાં દેખાતા જ હેલિપેડ પાસે લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા.