ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં અશાંતધારો લાગુ કરાયો છે. મહેસુલ વિભાગ દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરાયું છે. પ્રાંતિજ શહેરના કેટલાક વિસ્તારોમાં અશાંતધારો લાગુ થશે. આ અશાંતધારો આગામી પાંચ વર્ષ માટે એટલે કે ૨૦૩૦ સુધી યથાવત રહેશે. જાહેરનામા મુજબ, હવે પ્રોપર્ટીના વેચાણ પહેલા કલેક્ટરની મંજૂરી લેવી પડશે.
મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું કે, પ્રાંતિજ શહેરના અનુસૂચિમાં ઉલ્લેખિત કેટલાક વિસ્તારોને પાંચ વર્ષના સમયગાળા માટે એટલે કે ૪ ઓગસ્ટ, ૨૦૨૫ થી ૩ ઓગસ્ટ, ૨૦૩૦ સુધી અશાંત વિસ્તારો તરીકે જાહેર કર્યા છે. ગુજરાત સરકારે જાહેરનામાના સંદર્ભમાં કલેક્ટરની સત્તાઓ પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠાને સોંપવાનો નિર્ણય લીધો છે. તેથી, ગુજરાત સ્થાવર મિલકતના ટ્રાન્સફર પર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોના પરિસરમાંથી ખાલી કરાવવાથી ભાડૂતોના રક્ષણ માટેની જાગવાઈ અધિનિયમ, ૧૯૯૧ (ગુજરાત ૧૨, ૧૯૯૧) (ત્યારબાદ ‘ઉક્ત અધિનિયમ’ તરીકે ઓળખવામાં આવે છે) ની કલમ ૧૧ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ગુજરાત સરકાર આથી ઉપરોક્ત અધિનિયમની કલમ ૪, ૫ અને ૫છ હેઠળ કલેક્ટર, સાબરકાંઠા દ્વારા ઉપયોગમાં લેવાતી બધી સત્તાઓ પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠાને સોંપે છે.
૧૯૯૦ના દાયકામાં ગુજરાતમાં ભારે કોમી તોફાનો થયા બાદ, એ સમયે સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે ગુજરાતમાં અશાંત વિસ્તાર ધારો લાગુ કરાવ્યો હતો. જેને પગલે અમદાવાદના હૈયાત ઉપરાંત નવા ૭૩ જેટલા વિસ્તારોનો ઉમેરો કરીને તેને અશાંત ધારામાં મુકી દેવાયા છે. હવે આ તમામ વિસ્તારોમાં પ્રોપર્ટીની લે-વેચ પર અંકુશ આવી જશે. જિલ્લા કલેક્ટરની મંજૂરી મળ્યા બાદ જ મકાન કે અન્ય પ્રોપર્ટીનું વેચાણ થઇ શકશે. અમદાવાદ શહેરમાં કોમી તોફાનોને પગલે એક ગ્રૂપના સ્થળાંતકરને રોકવા અને બીજા ગ્રૂપને એક જ વિસ્તારમાં અટકાવવા માટે સન ૧૯૮૫ થી આ ધારો અમલમાં મૂકાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ત્રણેક સપ્તાહ પૂર્વે ગાંધીનગર જિલ્લાના કલોલ રાહેરના ૨૫ વિસ્તારોમાં આ કાયદાના હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર એમ ચારેય મહાનગરોમાં અશાંત ધારો લાગુ છે. તેમજ આણંદ, કપડવંજ, બોરસદ, પેટલાદ, નડીયાદ, પોળકા, મોરબી, પંધુકા, સાવરકુંડલા, ગોધરા, મહેસાણા સહિત અનેક શહેરોમાં આ કાયદો લાગુ કરાયો છે.