ઉતરાયણ પર્વ નિમિત્તે લોકો સુરક્ષિત રીતે તહેવારની મજા માણી શકે તે હેતુથી ધારી પીજીવીસીએલ ડિવિઝન-૧ દ્વારા સાવચેતીના પગલાં રૂપે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઘાતક ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને પોતાની તથા બીજાની સલામતી માટે તકેદારી રાખવા જણાવાયું છે. પીજીવીસીએલ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, વીજળીના પોલ કે તારમાં ફસાયેલી પતંગ કાઢવાનો પ્રયત્ન કરવો નહીં. ચાલુ વીજ પ્રવાહ દરમિયાન બેદરકાર બનીને પતંગ કાઢવા જતાં તાર તૂટી શકે છે, ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે અને અનેક ઘરોનો વીજ પુરવઠો પણ ખોરવાઈ શકે છે. ઉપરાંત, વાહનચાલકોને પણ સાવચેતીના ભાગરૂપે ગળામાં મફલર અથવા સ્કાર્ફ પહેરવું હિતાવહ છે તેમ જણાવવામાં આવ્યું છે. વીજળી સંબંધિત કોઈ પણ ઈમરજન્સી ઊભી થાય તો ૧૯૧૨ ફ્રી ડાયલ સુવિધાનો લાભ લેવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.








































