ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ‘કરુણા અભિયાન’ ને સાર્થક કરવા માટે અમરેલી જિલ્લામાં વન, પશુપાલન, પોલીસ વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ ખભે ખભો મિલાવીને કાર્ય કરી રહી છે. સાવરકુંડલા ખાતે સામાજિક વનીકરણ રેન્જ (નોર્મલ રેન્જ), વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીવમાત્રના રક્ષણ માટે પ્રશંસનીય જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સરકારના આ અભિયાનને સાર્થક કરવા સમગ્ર જિલ્લામાં અનેક અબોલ પક્ષીઓ અને અન્ય જીવોના જીવ બચાવી લેવાયા છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓ ઘાતક દોરીથી ઘાયલ ન થાય તે હેતુથી સાવરકુંડલાની તમામ શાળાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. પર્વ દરમિયાન લોકોની સુરક્ષા માટે ટુ-વ્હીલ ચલાવતી વખતે હેલ્મેટ અને ગળાના સેફ્‌ટી ગાર્ડનો ઉપયોગ કરવા તેમજ વીજળીના તાર પર ફસાયેલી દોરી ન ખેંચવા જેવી મહત્વની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.