અંતે આઠમું પગાર પંચ આવી ગયું. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટેના આઠમા પગાર પંચને સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી. કેન્દ્રીય કેબિનેટે આઠમા પગાર પંચ માટે ‘ટર્મ્સ ઓફ રેફરન્સ’ ToRને મંજૂરી આપી છે. મતલબ કે, પગાર પંચની રચના કરીને તેની કામગીરી અને સમયમર્યાદા નક્કી કરી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ પગાર પંચનાં ચેરપર્સન છે જ્યારે પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ-ટાઇમ સભ્ય હશે. પંકજ જૈન મેમ્બર સેક્રેટરી તરીકે કામ કરશે.
આઠમું પગાર પંચ રચનાની તારીખથી ૧૮ મહિનામાં પોતાની ભલામણો સરકારને સોંપશે અને કેન્દ્ર સરકાર તેના પર યોગ્ય નિર્ણય લે તેમાં બીજા છ મહિના નીકળી જશે એ જોતાં પગાર પંચનો વાસ્તવિક અમલ લગભગ ૨ વર્ષ પછી થશે પણ નવો પગાર અને પેન્શન ૧ જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ થશે તેથી સરકારી કર્મકારીઓનો પગાર અને પેન્શન બે મહિના પછી વધી જશે.
વરસોની પ્રથા પ્રમાણે લાગુ થવાની તારીખ અને પગાર પંચના અમલની તારીખની વચ્ચેના સમયગાળાની રકમ એરીયર્સ તરીકે ચૂકવાય છે. આ વખતે પણ સરકારી કર્મચારીઓ ૨૦૨૮ના વર્ષમાં એરીયર્સની આશા રાખી શકે છે. આઠમા પગાર પંચને કારણે ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૭૦ લાખ પેન્શનરોને સીધો લાભ થશે. રાજ્ય સરકારો પણ કેન્દ્રીય પગાર પંચની ભલામણો થોડા ફેરફાર સાથે અપનાવે છે એ જોતાં ૨૦૨૮માં રાજ્ય સરકારના કર્મચારીઓને પણ ઘી-કેળાં થઈ જશે.
સરકારી કર્મચારીઓના નવા પગાર નક્કી કરતી વખતે ફિટમેન્ટ ફેક્ટર ધ્યાનમાં લેવાય છે. પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર કેટલું રાખવું તેની ભલામણ કરે છે પણ કેન્દ્ર સરકાર તેમાં ફેરફાર કરી શકે છે. સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ હતો તેથી બેઝિક પગાર ૨.૫૭ ગણો થઈ ગયેલો પણ મોંઘવારી ભથ્થું નવેસરથી ગણાવાનું શરૂ થાય તેથી પગાર ૪૦ ટકાની આસપાસ વધેલો. આ વખતે ફિટમેન્ટ ફેક્ટર ૩ની આસપાસ હશે તેથી બેઝિક પગાર સીધો ડબલ થવાની શક્યતા છે.
મોદી સરકારે આઠમું પગાર પંચ પણ જાહેર કરવું પડ્‌યું એ પાછળનું કારણ મતબેંકનું રાજકારણ છે. મોદી સરકાર સરકારી કર્મચારીઓ માટે હવે પછી નવું કોઈ પગાર પંચ લાવવા માગતી નહોતી. ભાજપ શાસનમાં સાતમું પગાર પંચ આવ્યું ત્યારે પણ મોદી સરકારે પગાર ઓછા વધારવા પડે એ માટે જાત જાતના દાવપેચ કરેલા. એ પછી તો સરકારે હાથ જ અધ્ધર કરી દીધેલા. કર્મચારીઓના પગારના કારણે સરકારના માથે બહુ બોજ આવે છે તેથી નવું પગાર પંચ નહીં જ આવે એવું ભાજપ સરકારનું વલણ હતું પણ લોકસભાની ચૂંટણીમાં ૨૪૦ બેઠકો મળી પછી ભાજપ સરકારે સરકારી કર્મચારીઓને ખુશ કરવા નવા પગાર પંચની રચનાની જાહેરાત કરવી પડી.

ભારતમાં પગાર પંચ અંગ્રેજોની દેન છે. આપણે આઝાદ થયા પણ અંગ્રેજોના વખતની મોટા ભાગની સિસ્ટમ આપણે અપનાવી છે ને તેમાં એક પગાર પંચ પણ છે. ભારતમાં પગાર પંચ રચવાની શરૂઆત ૧૯૪૬માં થઈ પણ એ પહેલાં પગાર માળખું અમલમાં આવી ગયેલું. અંગ્રેજો બધું કામ પાકે પાયે કરતા. સરકારી તંત્રના પગારોના મામલે પણ તેમણે એ જ પધ્ધતિ અપનાવીને છેક ૧૯૩૪માં પગાર માળખાનો અમલ શરૂ કરેલો. ૧૯૩૪માં સરકારી કર્મચારીઓનો ઓછામાં ઓછો બેઝિક પગાર ૧૦ રૂપિયા હતો. એ વખતે દસ રૂપિયાની કિંમત બહુ હતી તેથી એ પગાર પણ મોટો લાગતો ને સરકારી કર્મચારીઓ અંગ્રેજો પર ઓવારી ગયેલા.
અંગ્રેજો ૧૯૪૭માં આ દેશ છોડીને ગયા એ પહેલા પગાર પંચની રચના કરતા ગયેલા. શ્રીનિવાસ વરદચેરીયા તેના ચેરમેન હતા. ૧૯૪૭માં આ પંચે અહેવાલ આપ્યો પછી જવાહલાલ નહેરૂની સરકારે તેનો અમલ તાબડતોબ કરેલો. નવા પગાર પંચમાં ઓછામાં ઓછો બેઝિક પગાર ૩૦ રૂપિયા થયેલો જ્યારે ૨૫ રૂપિયા મોંધવારી ભથ્થું મળતું. મતલબ કે સૌથી નીચા સ્તરના એવા ચોથા વર્ગના કર્મચારીને પણ ઓછામાં ઓછો ૫૫ રૂપિયા પગાર મળતો જ્યારે ત્રીજા વર્ગના કર્મચારીનો ઓછામાં ઓછો પગાર ૧૧૦ રૂપિયાની આસપાસ થઈ ગયેલો. આ પરંપરા જળવાઈ અને લગભગ દરેક દાયકામાં સરકારી કર્મચારીઓ માટે પગાર પંચ બન્યા ને સરકારોએ તેનો અમલ કર્યો છે. ૧૯૫૭માં બીજા પગાર પંચ પછી ઓછામાં ઓછો પગાર ૮૦ રૂપિયા થયેલો.

ઈન્દિરા ગાંધીએ પગાર પંચની પરંપરા તોડી હતી. દર દસ વરસે પગાર પંચની રચનાની પરંપરા જોતાં ૧૯૬૭માં ત્રીજું પગાર પંચ આવવું જોઈતું હતું પણ ૧૯૬૫માં પાકિસ્તાન સામેના યુધ્ધના કારણે આપણે બેહાલ થયેલા તેથી ઈન્દિરાએ પગાર પંચની રચના નહીં કરવાનો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. વર્લ્ડ બેંક અને આઈએમએફ જેવી સંસ્થાઓ અમેરિકાના દબાણ હેઠળ ઉધાર આપવા તૈયાર નહોતી તેથી ભારતીય અર્થતંત્ર ડામાડોળ લાગતું હતું. ઈન્દિરા ગાંધીએ એ વખતે રૂપિયાનું અવમૂલ્યન કરવાનો પણ હિંમતભર્યો નિર્ણય લીધો હતો. ભારતમાં ત્યારે
આભાર – નિહારીકા રવિયા યુનિયનો મજબૂત હતા પણ અર્થતંત્રની એક સાંધો ત્યાં તેર તૂટે એવી હાલત હતી તેથી યુનિયનો ચૂપકીદી સાધીને બેસી ગયેલા. સરકારી કર્મચારીઓ પગાર વધારો માગવા જાય તો ખરાબ લાગે તેથી યુનિયનોએ પગાર પંચનો મુદ્દો ઉપર ચડાવી દીધેલો.
ઈન્દિરા નવાંસવાં હતાં પણ એક પછી એક નિર્ણયોના કારણે છવાઈ ગયેલા. ઈન્દિરાએ એ ગાળામાં જ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને રાજાઓના સાલિયાણાં બંધ કરી દીધા. આ ક્રાન્તિકારી પગલાંના કારણે આપણા અર્થતંત્રની હાલત સુધરી પછી એપ્રિલ ૧૯૭૦માં ત્રીજું પગાર પંચ રચાયું. માર્ચ ૧૯૭૩માં તેનો અહેવાલ આવ્યો તેમાં ઓછામાં ઓછો પગાર વધીને ૧૯૬ રૂપિયા થયેલો.
રસપ્રદ વાત એ હતી કે, પગાર પંચે ઓછામાં ઓછો પગાર ૧૮૫ રૂપિયા કરવાની ભલામણ કરેલી જ્યારે ઈન્દિરાએ તેનાથી ૧૧ રૂપિયા વધારે પગાર આપેલો. યુનિયનોની રજૂઆત કરતાં વધારે પગાર વધારો આપીને ઈન્દિરાએ સરકારી કર્મચારીઓને ખુશ કરી દીધેલા.
રાજીવ ગાંધીએ ૧૯૮૬માં ચોથા પગાર પંચનો અમલ કરીને ઓછામાં ઓછો પગાર રૂપિયા ૭૫૦ કરી આપેલો. ૧૯૯૭માં પાંચમું પગાર પંચ આવ્યું અને પગાર વધીને રૂપિયા ૨૫૫૦ થઈ ગયેલો. મનમોહનસિંહની સરકાર વખતે ૨૦૦૮માં છઠ્ઠું પગાર પંચ આવ્યું ત્યારે ઓછામાં ઓછો બેઝિક પગાર વધીને રૂપિયા ૬૬૬૦ થઈ ગયેલો. મોદી સરકારે સાતમા પગાર પંચનો અમલ કર્યો પછી ઓછામાં ઓછો બેઝિક પગાર ૧૮,૦૦૦ રૂપિયા પર પહોંચી ગયો છે. હવે એ લગભગ ૩૩ હજાર પર પહોંચવાની આશા છે.

પગાર પંચ સાથે એક રસપ્રદ વાત સંકળાયેલી છે. ઈન્દરકુમાર ગુજરાલના સમયમાં આવેલા પાંચમા પગાર પંચે સરકારી કર્મચારીઓની સંખ્યામાં ૩૦ ટકા ઘટાડો કરવાની ભલામણ કરેલી. ભારતે નવું નવું આર્થિક ઉદારીકરણ અપનાવેલું તેથી વર્લ્ડ બેંક તથા આઈએમએફ સરકારી ખર્ચ ઘટાડવા પર ભાર મૂકતાં હતાં તેથી આ ભલામણ થયેલી પણ તેનો અમલ કરવાની ગુજરાલ સરકારની હિંમત નહોતી થઈ. ભારતમાં સરકારી કર્મચારીઓની ફૌજ બહુ મોટી છે તેથી કોઈ સરકાર તેમને નારાજ કરી શકતી નથી ને નારાજ કરવા જાય તો શું થાય તેનો પરચો પહેલાંની સરકારોને મળેલો ને છેલ્લે મોદી સરકારને પણ મળી ગયો તેથી ગુજરાલ સરકારની ગણતરી બરાબર હતી.
બીજી પણ એક રસપ્રદ વાત કરી લઈએ.
મોદી સરકારે ૨૦૨૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવું પગાર પંચ રચ્યું છે પણ દરેક વાર પગાર પંચ સરકારને ફળે જ એવું જરૂરી નથી. આઝાદી પછી કોંગ્રેસનું એકહથ્થુ શાસન હતું ત્યારે તો સ્થિતી અલગ હતી પણ ૧૯૭૦ પછી ત્રણ વાર એવું બન્યું કે, પગાર પંચ લાવનારી સરકાર ઘરભેગી થઈ ગઈ. ઈન્દિરાએ ૧૯૭૩માં પગાર પંચનો અમલ કર્યો પછી ૧૯૭૭માં ઘરભેગા થઈ ગયા. રાજીવે ૧૯૮૬માં ચોથું પગાર પંચ આપ્યું તો ૧૯૮૯માં તેમનું અચ્યુતમ કેશવમ થઈ ગયું. ૧૯૯૭માં યુનાઈટેડ ફ્રન્ટના ઈન્દરકુમાર ગુજરાલની સરકાર વખતે પાંચમું પગાર પંચ આવેલું. ગુજરાલની સરકારનું પણ ૧૯૯૮ની ચૂંટણીમાં રામ બોલો ભાઈ રામ થઈ ગયું.
જો કે ૨૦૦૮માં છઠ્ઠા પગાર પંચના અમલ પછી કોંગ્રેસની સરકાર પાછી આવેલી. કોંગ્રેસની બેઠકો વધેલી ને કોંગ્રેસે ૨૦૦નો આંકડો પાર કરેલો અને પગાર પંચ મનમોહનસિંહ અને કોંગ્રેસને ફળેલું. મોદીને પણ ૨૦૧૯માં મનમોહનની જેમ પગાર પંચ ફળેલું ને આ વખતે શું થાય છે એ જોઈએ. sanjogpurti@gmail.com