ભવિષ્યમાં ઈન્ટરનેટ સ્પીડ કેટલી હશે ?
આ સવાલનો જવાબ આપવો અઘરો છે કેમ કે ઈન્ટરનેટમાં થઈ રહેલાં સંશોધનોને જોતાં એવું લાગી રહ્યું છે કે, ઈન્ટરનેટની સ્પીડને કોઈ સીમા જ નહીં રહે. હમણાં જાપાને આ સંશોધનો કઈ દિશામાં જઈ રહ્યાં છે તેનો પરચો આપતાં ૧૦.૨૦ લાખ ગીગાબાઈટ પ્રતિ સેકન્ડની ઇન્ટરનેટ સ્પીડ હાંસલ કરીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી (NICT) અને સુમિટોમો ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રીઝની સંયુક્ત ટીમે પ્રાપ્ત કરેલી ઈન્ટરનેટ સ્પીડથી ફક્ત એક સેકન્ડમાં ૧૦,૦૦૦ મૂવીઝ ડાઉનલોડ કરી શકાય છે અને ૧૫૦ જીબીની ગેમ ૩ મિલિસેકન્ડમાં ડાઉનલોડ કરી શકાશે. જાપાને હાંસલ કરેલી ઈન્ટરનેટ સ્પીડ ભારતની વર્તમાન સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ લગભગ ૬૩.૫૫ MBPS કરતા લગભગ ૧.૬ કરોડ ગણી વધારે છે જ્યારે સરેરાશ અમેરિકન ઇન્ટરનેટ સ્પીડ કરતા ૩૫ લાખ ગણી ઝડપી છે.
રસપ્રદ વાત એ છે કે, જાપાને પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્‌યો છે.
માર્ચ ૨૦૨૪માં જાપાને ૪૦૨ ટેરાબાઈટ પ્રતિ સેકન્ડ (TBPS) એટલે કે ૫૦,૨૫૦ ગીગાબિટ પ્રતિ સેકન્ડની સ્પીડ હાંસલ કરી હતી. જાપાનના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજીના સંશોધકોએ વિશ્વમાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ દુનિયાના વિકસિત દેશોમાં વપરાતા અને કોમર્શિયલી ઉપલબ્ધ પ્રમાણભૂત ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરીને પ્રાપ્ત કરી હતી. તેનો મતલબ એ કે, ભવિષ્યમાં ઈન્ટરનેટની વધારે સ્પીડ મેળવવી હોય તો કોઈ નવા કે વિશેષ પ્રકારના ખાસ ઓપ્ટિક ફાઈબરની જરૂર નહીં પડે. હાલના ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી જ વધારે સ્પીડ મેળવી શકાશે.
જાપાનના સંશોધકોએ મેળવેલી સ્પીડ હાલમાં લેબોરેટરી સેટિંગ્સ પૂરતી મર્યાદિત છે પણ તેનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિશનમાં તો કરી જ શકાશે.

ચીને ૧૦G ઈન્ટરનેટ નેટવર્ક લોંચ કર્યું છે.
ચીને આ વર્ષના એપ્રિલમાં બેઇજિંગ નજીક હેબેઈ પ્રાંતના શિયોન્ગન દુનિયાનું પહેલું ૧૦G બ્રોડબેન્ડ નેટવર્ક લોન્ચ કર્યું હતું. ૫ય્, ૬G વગેરે શબ્દોનો અર્થ ફિફ્‌થ જનરેશન કે સિક્સ્થ જનરેશન એવો થાય છે તેથી ચીને ૧૦G નેટવર્ક લોંચ કર્યું ત્યારે પહેલાં સૌને લાગ્યું કે, ચીને ટેન્થ જનરેશન ઈન્ટરનેટ લોંચ કર્યું છે પણ ચીનના નેટવર્કમાં ૧૦G મતલબ ટેન્થ જનરેશન નહીં પણ ટેન ગિગાબાઈટ થાય છે.
અમેરિકા સહિતના દેશોમાં મહત્તમ ડાઉનલોડ સ્પીડ ૨૫૦ એમબીપીએસથી વધારે નથી ત્યારે ચીને તેના કરતાં ૪૦ ગણી વધારે સ્પીડ એટલે કે ૧૦ ગીગાબાઈટ સ્પીડનું નેટવર્ક સ્થાપીને મોટી સિધ્ધી હાંસલ કરી હતી. ચીનની બે કંપનીઓ હ્યુવેઈ અને ચાઈના યુનિકોમે શિયોન્ગનમાં ૧૦G બ્રોડબેન્ડ નેટવર્ક લોન્ચ કર્યું તેમાં ૯,૮૩૪ એમબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ અને ૧,૦૦૮ એમબીપીએસ સુધીની અપલોડ સ્પીડ છે. ૧ જીબીપીએસ નેટવર્કમાં ૯૦ ય્મ્ ફાઇલ ડાઉનલોડ કરવામાં લગભગ ૧૨ મિનિટ લાગે છે ત્યારે ચીનનું નવું ૧૦ય્ અથવા ૧૦ Gbps નેટવર્ક આ જ ફાઇલ લગભગ ૭૨ સેકન્ડમાં ડાઉનલોડ કરી શકે છે.
હાલમાં આ ઈન્ટરનેટ સ્પીડનો ઉપયોગ એક શહેરનાં લોકો વાસ્તવિક રીતે કરી શકે છે. ભવિષ્યમાં આખા ચીનમાં તેનો વ્યાપ વધારાશે ત્યારે ચીનમાં ઈન્ટરનેટ ક્રાંતિ આવી જશે.

હાલમાં દુનિયામાં મહત્તમ ઈન્ટરનેટની સ્પીડ કેટલી છે ?
અત્યારે દુનિયામાં સૌથી ફાસ્ટેસ્ટ સ્પીડ ધરાવતાં ઈન્ટરનેટ એકદમ નાના દેશોમાં છે. અમેરિકા, જાપાન સહિતના દુનિયાના અત્યંત વિકસિત દેશોમાં જોરદાર ઈન્ટરનેટ સ્પીડ હશે એવી માન્યતા છે પણ આ દેશોમાં ૧૫૦થી ૨૦૦ એમબીપીએસ વચ્ચે ઈન્ટરનેટ સ્પીડ છે. દુનિયાના સૌથી વધારે ફાસ્ટેસ્ટ ઈન્ટરનેટ આઈસલેન્ડમાં ૨૮૦ એમબીપીએસ છે. જર્સી, મકાઉ, લિશ્ટેસ્ટેઈન, ડેન્માર્ક સહિતના દેશોમાં પણ ૨૦૦ એમબીપીએસ કરતાં વધારેની ડાઉનલોડ સ્પીડ છે. ભારત આ યાદીમાં ક્યાંય નથી. હાલમાં ભારતની સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ લગભગ ૬૩.૫૫ એમબીબીએસ છે એ જોતાં ભારતમાં તો પ્રતિ સેકન્ડ ૧૦૦ એમબીની સ્પીડ ક્યારે આવશે એ જ ખબર નથી.
ભારતમાં ૨૦૩૦ સુધીમાં ૬ય્ ઈન્ટરનેટ આવી જશે એવા દાવા કરાય છે પણ આ દાવો સાચો પડે ત્યારે ખરું. બીજું એ કે, ભારતમાં ૬ય્ ઈન્ટરનેટ આવે તો પણ તેની સ્પીડ શું હશે એ કહેવું મુશ્કેલ છે. ભારતમાં ૫ય્ મોબાઈલ ટેકનોલોજી આવી પણ સ્પીડ હજુ ૧૦૦ એમબીબીએસને પાર નથી થયું એ જોતાં ૬G ટેકનોલોજી આવશે તો પણ ૨૦૦ એમબીપીએસ કરતાં વધારેની ડાઉનલોડ સ્પીડ આવશે કે કેમ તેમાં શંકા છે.

ઈન્ટરનેટની સ્પીડ વધતાં માનવજાતના અસ્તિત્વ સામે ખતરો ઉભો થશે ?
આ સવાલ પણ લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે. ભારતમાં તો ૫ય્ ટેકનોલોજીનું આગમન થવાનું હતું ત્યારે ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલાએ દિલ્હી હાઈકોર્ટનાં દ્વાર ખખડાવીને ૫ય્ ટેકનોલોજી પર સ્ટે આપવા વિનંતી કરી હતી. જુહી ચાવલાની દલીલ હતી કે, કે ૫ય્ ટેકનોલોજીથી લોકો, પ્રાણીઓ અને પર્યાવરણને મોટું નુકસાન થશે તેથી ભારતમાં ૫ય્ મોબાઈલ ટેકનોલોજીને રોકવી જોઈએ. ૫ય્ ટેકનોલોજીથી હાલ કરતાં ૧૦૦ ગણુ વધારે રેડિએશન ફેલાશે તેથી માણસોની તબિયત તો બગડશે જ પણ પર્યાવરણને કાયમી ગંભીર નુકસાન થશે તેથી માનવજાતના અસ્તિત્વ સામે ખતરો ઉભો થઈ જશે.
જુહી ચાવલાની અરજી ફગાવી દેવાઈ હતી અને ભારતમાં ૫ય્ ટેકનોલોજીની એન્ટ્રી થઈ ગઈ પણ ઈન્ટરનેટ અને મોબાઈલ ટેકનોલોજીના કારણે વધતા જતા રેડિએશનના કારણે ખતરો વધશે એવું નિષ્ણાતો સ્વીકારે છે. મોબાઈલ અને ઈન્ટરનેટ ટેકનોલોજીનો વિરોધ કરી રહેલા વિજ્ઞાનીઓનું કહેવું છે કે , ઈન્ટરનેટ ટેકનોલોજી માનવીને નુકસાન ન કરે તો પણ વનસ્પતિઓને અને પર્યાવરણને નુકસાન કરી શકે છે તેમાં કોઈ શંકા નથી. પર્યાવરણને અસર થાય એટલે માનવજાતના અસ્તિત્વ સામે ખતરો ઉભો થાય તેથી સંશોધકો હવે વધારે સંશોધન નહીં કરવાની તરફેણ કરે છે.
હાલની સ્પીડથી પણ માનવજાતનું કામ ચાલે જ છે તેથી વધારે સ્પીડ મેળવીને રેડિએશનનો ખતરો વધારવાની જરૂર નથી એવો તેમનો મત છે. મોટા પ્રમાણમાં રેડિએશનના કારણે માનવ કોષ તથા ડીએનએને નુકસાન થઈ શકે છે. આ રેડિએશનના કારણે ટિશ્યુને નુકસાન થઈ શકે છે પણ એ ખતરો બહુ મોટો નથી.

નરી આંખે ના જોઈ શકીએ એવો પ્રકાશ એટલે કે આયોનાઈઝિંગ રેડિએશન અત્યંત ખતરનાક હોય છે.
આ કેટેગરીમાં આવતાં અલ્ટ્રાવાયોલેટ, એકસ-રે અને ગામા રે સહિતનાં આયોનાઈઝિંગ રેડિએશનના કારણે કેન્સર જેવા ખતરનાક રોગ થવાની શક્યતા છે. અત્યારે ઉપચોગમાં લેવાતી ૫G ટેકનોલોજીના કારણે પેદા થતું રેડિએશન આ કેટેગરીમાં નથી આવતું તેથી અત્યારે ખતરો નથી અને લોકોના આરોગ્ય પર મોટો ખતરો નથી પણ ભવિષ્યમાં સ્પીડ વધતાં આ ખતરો વધશે.
વિશ્વમાં રેડિએશન સહિતની ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની બાબતો પર બે મોટી સંસ્થાઓ ઈન્ટરનેશનલ કમિશન ઓન નોન-આયોનાઈઝિંગ રેડિએશન પ્રોટેક્શન અને ઈન્ટરનેશનલ કમિટી ઓન ઈલેક્ટ્રોમેગ્નેટિક સેફ્‌ટીની નજર હોય છે. રેડિએશનને કાબૂમાં લેવા શું કરવું તે અંગેની ગાઈડલાઈન બહાર પાડતી આ બંને સંસ્થાનો મત પણ એ જ છે કે, હાલની ટેકનોલોજી માણસોના સ્વાસ્થ્ય પર ભલે ખતરનાક અસરો નથી કરતી પણ ટેકનોલોજીનો વિકાસ થશે તેમ તેમ ખતરો વધી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)નો મત અલગ છે. ડબલ્યુએચઓનું માનવું છે કે, અત્યારે મોબાઇલના ટાવરથી જે રેડિએશન ફેલાય છે તેના કરતાં વધારે રેડિએશન ફેલાવાનું નથી તેથી વિકાસ પામી રહેલી ઈન્ટરનેટ ટેકનોલોજીથી ડરવાની જરૂર નથી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઈન્ટરનેટ ટેકનોલોજીથી ફેલાતા રેડિએશન અંગે વધારે રિસર્ચની જરૂરીયાત સ્વીકારી છે કે જેથી ચોક્કસ અસરો જાણી શકાય પણ અત્યારે ચિંતાની જરૂર નથી એવો તેમનો મત છે.
જો કે ડબલ્યુએચઓ તો મોટી કંપનીઓનાં હિતો સાચવે છે તેથી તેના અભિપ્રાયને કોઈ ગંભીરતાથી નથી લેતું. આ સંજોગોમાં વધતી ઈન્ટરનેટ સ્પીડથી માનવજાતનું અસ્તિત્વ ભલે ના મટે પણ ખતરો તો પેદા થશે જ.