રાજુલાના ચૌત્રા ગામમાં રહેતા યુવકને ઈનામની સ્કીમની લાલચમાં રૂપિયા ૧.૩૯ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આરોપીઓએ આર્થિક ફાયદો મેળવવા માટે લોકોને લોભામણી સ્કીમ આપી છેતરપિંડી કરી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, આરોપીઓ બોલેરો ગાડી લઈને ચૌત્રા ગામમાં આવ્યા હતા. તેમણે ફરિયાદી અને અન્ય સાક્ષીઓને ત્રણ ટિકિટ પર એક ફ્રી ફ્રીજ આપવાનું વચન આપ્યું હતું. વધુમાં, ઈનામની ટિકિટમાં સારી વસ્તુઓ જીતવાની લાલચ આપીને તેઓએ લોકોને વિશ્વાસમાં લીધા હતા. આ કાવતરામાં, આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ.૧૧,૯૯૭ અને અન્ય સાક્ષીઓ પાસેથી કુલ રૂ.૧,૩૯,૯૬૫ પડાવી લીધા. તેઓએ વચન મુજબ ગોદરેજ કંપનીનું ફ્રીજ આપ્યું નહોતું અને ઈનામમાં સારી વસ્તુઓને બદલે નબળી અને ડુપ્લિકેટ વસ્તુઓ આપી હતી. આમ, આરોપીઓએ લોકોનો વિશ્વાસ જીતીને કુલ રૂ.૧,૩૯,૯૬૫ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.