ઈઝરાયેલ અને અમેરિકાએ ભેગા મળીને ઈરાન પર કરેલા હુમલાને કારણે, સમગ્ર અખાતના દેશોમાં ઈંધણ અને ગેસના ઉત્પાદન ઉપર અસર વર્તાઈ રહી છે. આ કારણોસર અખાતના દેશમાંથી ઈંધણ અને ગેસ મેળવતા તમામ દેશમાં પણ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિ માં પાકિસ્તાનમાં તો હવે ઈંધણ અને ગેસના પુરવઠાની ચોરીના કિસ્સાઓ બની રહ્યાં છે. કંગાળ થઈ ચૂકેલા પાકિસ્તાનમાં ગેસ અને ઈંધણની ચોરીના કિસ્સા અટકાવવા માટે સરકારે કડક કાર્યવાહી કરવાના આદેશ જાહેર કર્યાં છે. જેમાં આતંકવાદ ધારા હેઠળ પણ કેસ નોંધવા માટે સ્થાનિક સરકારને જાણ કરવામાં આવી છે. જા કોઈ ઈંધણ અને ગેસની ચોરીમાં પકડાય અને કસુરવાર ઠરે તો ૧૪ વર્ષની આકરી સજા કરવાની જાગવાઈ પણ પાકિસ્તાનની સરકારે જાહેર કર્યું છે.
ઈંધણ અને ગેસ કટોકટીના માહોલમાં, પાકિસ્તાનની સરકારે એક મહત્વપૂર્ણ નીતિગત ફેરફાર કર્યો છે. ઈંધણ અને ગેસના ગેરકાયદે સંગ્રહ અને ચોરીને હવે સત્તાવાર રીતે આતંકવાદના કૃત્યો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ સંબંધમાં એક બિલ સોમવારે રાષ્ટીય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. એકવાર આ બિલ પસાર થયા પછી, આ કાયદો પાકિસ્તાનમાં સંગ્રહખોરી, દાણચોરી અને ઈંઘણ અને ગેસના અનધિકૃત કબજાને ફોજદારી ગુનો ગણવામાં આવશે. સરકાર આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિઓ સામે આતંકવાદ વિરોધી કાયદા લાગુ કરવાની સત્તા પણ જાળવી રાખે છે.
પાકિસ્તાનના અગ્રણી ડોન અખબારના અહેવાલ અનુસાર, પાકિસ્તાન સરકારે સંસદમાં ફોજદારી કાયદો (સુધારા) બિલ, ૨૦૨૬ રજૂ કર્યું છે. આ બિલ ખાસ કરીને પ્રવર્તમાન ઈંઘણ અને ગેસ કટોકટીને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યું છે. સરકારનો દાવો છે કે, ગુનાહિત માફિયાઓ, ઘણીવાર મિલીભગતથી કામ કરતા, પહેલા તેલ સ્થાપનોને નિશાન બનાવે છે અને હુમલો કરે છે, પછી તેઓ ચોરી કરેલા ઈંધણ-બળતણનો સંગ્રહ કરે છે અને તેને વધુ પડતા ભાવે વેચે છે.
પાકિસ્તાની સરકારનો દાવો છે કે, આતંકવાદીઓ વારંવાર ઈંધણ અને ગેસની પાઇપલાઇનમાં તોડફોડ કરે છે. ત્યારબાદ માફિયાઓ દ્વારા પાઈપલાઈનમાં કરેલ ભંગાણ દ્વારા ઈંધણ અને ગેસની ચોરી કરીને ઉંચા ભાવે તેનું વેચાણ કરે છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી મળેલી રકમનો ઉપયોગ, પાકિસ્તાન સ્થિતિ આતંકવાદી સંસ્થાઓને ભંડોળ પૂરું પાડવા અને આતંક ફેલાવવા માટે કરવામાં આવે છે. આ જ કારણસર સરકારે તેલ અને ગેસ સંબંધિત ગુનાઓ અંગે કડક કાયદો ઘડવાનો નિર્ણય લીધો છે.
બલુચિસ્તાનમાં ઈંધણ પાઇપલાઇન પર હુમલા અંગે પણ અહેવાલો બહાર આવ્યા, જેના પરિણામે પ્રાંતીય રાજધાની ક્વેટા સહિત અનેક પ્રદેશોમાં ઈંધણનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. સરકારે હજુ સુધી આ હુમલાના ગુનેગારો અથવા તેમના હેતુઓ વિશે કોઈ માહિતી જાહેર કરી નથી.
નવા તેલ અને ગેસ કાયદામાં શું સમાયેલું છે?
પાકિસ્તાનના કાયદા મંત્રી આઝમ નઝીર તરાર દ્વારા રજૂ કરાયેલા આ બિલમાં નીચે મુજબની જાગવાઈઓ છેઃ
ઈંધણ કે ગેસની ચોરી કરતી વખતે પકડાયેલ કોઈપણ વ્યકિત ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાની જાગવાઈઓ હેઠળ, દોષિત વ્યકિતને ૧૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે. ૩ કરોડ રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવી શકે છે.
તેવી જ રીતે, જા કોઈ વ્યકિત તેલ કે ગેસની દાણચોરી અથવા અનધિકૃત સંગ્રહમાં સંડોવાયેલો જાવા મળે છે, તો તેને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. કાયદો પેટ્રોલિયમ પાઇપલાઇન પર હુમલો કરનાર કોઈપણ વ્યકિત માટે કડક દંડની પણ જાગવાઈ કરે છે.
નવા કાયદા હેઠળ, તેલ અને ગેસ સંબંધિત ગુનાઓના આરોપી વ્યકિતને પકડવા માટે કોઈ વોરંટની જરૂર નથી. અધિકારીઓને આવા વ્યકિતઓ સામે સ્વયં(પોતાની પહેલ પર) કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.
આતંકવાદના આરોપી વ્યકિત ઓ અંગે પાકિસ્તાનમાં સમાન અભિગમ અપનાવવામાં આવે છે. આતંકવાદના આરોપમાં ધરપકડ કરવા માટે કોઈ વોરંટની જરૂર નથી. વધુમાં, આતંકવાદના દોષિતોને ઓછામાં ઓછી ૧૪ વર્ષની જેલની સજા ભોગવવી પડશે.