ભારત–જોર્ડન વચ્ચે ખાતર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટેની મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ઇફ્કો IFFCO ના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જોર્ડનમાં પ્રધાનમંત્રી જાફર હસન સાથે અમાન ખાતે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને પક્ષો વચ્ચે ખાતર ઉદ્યોગના વિકાસ, નવીન ટેકનોલોજીનો ઉપયોગ, કૃષિ ઉત્પાદકતા વધારવા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રી જાફર હસને ભારત–જોર્ડન વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરતા જણાવ્યું કે કૃષિ ક્ષેત્રમાં સહકાર બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી દિશા આપશે. દિલીપ સંઘાણીએ જોર્ડન સરકારના સહયોગ અને સમર્થન માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ઇફ્કો અને જિફ્કો (JIFCO) ના સંયુક્ત પ્રયાસોથી આગામી સમયમાં ખાતર ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ થશે, જેનો સીધો લાભ બંને દેશોના ખેડૂતોને મળશે. આ પ્રસંગે જિફ્કો (JIFCO) ના અધ્યક્ષ પ્રો. મહમ્મદ કે. થનૈબત, ઇફ્કો મેનેજિંગ ડિરેક્ટર કે. જે. પટેલ, ઉપ મેનેજિંગ ડિરેક્ટર રાકેશ કપૂર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.







































