ઇન્ડિગો એરલાઇન્સમાં તાજેતરના મોટા પાયે ફ્લાઇટ વિક્ષેપ અંગે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય હવે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રચાયેલી ચાર સભ્યોની પેનલ તરફથી રિપોર્ટ મળ્યા બાદ એરલાઇન સામે વિગતવાર અને સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવશે.આ મહિનાની શરૂઆતમાં ફ્લાઇટ વિક્ષેપો બાદ,ડીજીસીએએ ઇન્ડિગોના શિયાળાના સમયપત્રકમાં ૧૦ ટકાનો ઘટાડો કર્યો છે. ઓપરેશનલ કટોકટી પહેલા, દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો, દરરોજ ૨,૩૦૦ ફ્લાઇટ્સ ચલાવતી હતી. અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે સમગ્ર પ્રક્રિયાનો હેતુ ભવિષ્યમાં આવી તકનીકી અને ઓપરેશનલ ખામીઓને પુનરાવર્તિત થતી અટકાવવાનો છે.શું અન્ય એરલાઇન્સ પર પણ તેમના સમયપત્રક પાલન માટે દેખરેખ રાખવામાં આવી રહી છે તે પૂછવામાં આવતા, અધિકારીએ કહ્યું, “ધુમ્મસવાળા હવામાન અને રજાઓની મોસમને ધ્યાનમાં રાખીને, એરલાઇન્સે મુસાફરોને અસુવિધા ટાળવા માટે વધુ જવાબદારીપૂર્વક કાર્ય કરવું જાઈએ.” અધિકારીએ કહ્યું, “અમારું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે આવી ઘટનાઓ ફરીથી ન બને.”દરમિયાન, ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે તેમની ભાવિ વ્યૂહરચના શેર કરતા કહ્યું કે કંપનીનું સંપૂર્ણ ધ્યાન હવે પરિસ્થિત સુધારવા પર છે. તેમણે ગુરુવારે કહ્યું કે એરલાઇન હવે ત્રણ મુખ્ય સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છેઃ સ્થિતસ્થાપકતા, મૂળ કારણ વિશ્લેષણ અને પુનર્નિર્માણ. કંપનીનો ધ્યેય ફ્લાઇટ વિક્ષેપ તરફ દોરી ગયેલા કારણોને જડમૂળથી દૂર કરવાનો છે.









































