ઇઝરાયલી સેનાએ કબજા હેઠળના પશ્ચિમ કાંઠે સીએનએન ટીમ પર હુમલો કરવા બદલ એક બટાલિયનને સસ્પેન્ડ કરી દીધી છે. લશ્કરી ગેરવર્તણૂક માટે સજાનો આ એક દુર્લભ કિસ્સો છે. ગયા અઠવાડિયે સૈનિકો ટીમ પર હુમલો કરતા દર્શાવતો એક વીડિયો સામે આવ્યા બાદ સેનાએ સોમવારે જાહેરાત કરી હતી કે તે નેટઝાહ યેહુદા બટાલિયનને સસ્પેન્ડ કરી રહી છે.
નેટઝાહ યેહુદા બટાલિયન એ સેનાનું એક યુનિટ છે જે ભૂતકાળમાં પેલેસ્ટનિયન નાગરિકો સાથેના દુર્વ્યવહાર માટે સમાચારમાં રહ્યું છે. બટાલિયન સૈનિકો દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા બાદ ૭૮ વર્ષીય પેલેસ્ટનિયન અમેરિકન વ્યક્તિ ના મૃત્યુ પર ૨૦૨૨ માં પણ વિવાદ ફાટી નીકળ્યો હતો.
યુએસ સરકાર દ્વારા આકરી નિંદા બાદ, ઇઝરાયલી સેનાએ આ ઘટનાને “ગંભીર અને કમનસીબ ઘટના” ગણાવી હતી અને એક અધિકારીને ઠપકો આપ્યો હતો અને બે અન્ય લોકોની બદલી કરી હતી. તે વર્ષના અંતમાં, ઇઝરાયલે આ યુનિટને પશ્ચિમ કાંઠામાંથી દૂર કરી દીધું હતું.
ગયા અઠવાડિયાની ઘટનામાં, સીએનએન ટીમ પશ્ચિમ કાંઠાના તૈસીર ગામના રહેવાસીઓ સામે હિંસા પર અહેવાલ તૈયાર કરી રહી હતી. યુએનના ડેટા અનુસાર, આ પ્રદેશમાં હિંસામાં નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે ઇઝરાયલી વસાહતોના સભ્યો દ્વારા ઓછામાં ઓછા નવ પેલેસ્ટનિયનોની હત્યા કરવામાં આવી છે. પેલેસ્ટનિયનો સામે હિંસા બદલ ઇઝરાયલી વસાહતીઓને સજા મળવી એ પણ દુર્લભ ઘટના છે.










































