ઇઝરાયલ ડિફેન્સ ફોસે ઇરાન પર હવાઈ હુમલા કર્યા છે. ઇઝરાયલે શુક્રવારે સવારે ઇરાનની રાજધાની તેહરાન પર હુમલો કર્યો. તેહરાનના ઘણા ભાગોમાંથી વિસ્ફોટો સાંભળવામાં આવ્યા છે. ઇઝરાયલી એરફોર્સે કહ્યું છે કે તેણે ઇરાનના પરમાણુ કાર્યક્રમ અને લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો છે. ઇઝરાયલે આ ઓપરેશનને ‘નેશન ઓફ લાયન્સ’ નામ આપ્યું છે.આઇડીએફ કહે છે કે ઇરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ એકઠું કરી રહ્યું છે. તેથી, ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈરાનના સંભવિત બદલો લેવાના પ્રતિભાવને ધ્યાનમાં રાખીને,આઇડીએફે સમગ્ર ઈઝરાયલમાં ચેતવણીના સાયરન વગાડ્યા છે.

તેહરાનમાં લોકોએ વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો છે અને તેના વીડિયો પણ શેર કર્યા છે. ઈરાનના સરકારી ટેલિવિઝન દ્વારા વિસ્ફોટોની પુષ્ટિ કરવામાં આવી છે. જોકે, ઈઝરાયલી હુમલાનું લક્ષ્ય શું હતું અને તેનાથી કેવા પ્રકારનું નુકસાન થયું છે તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. જોકે, પશ્ચિમ તેહરાનના ચિત્ગર વિસ્તારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે. તેહરાનમાં કેટલાક અન્ય સ્થળોએ પણ હુમલા થયાના અહેવાલ છે.

ઇઝરાયલે કહ્યું છે કે આ હુમલો ઇરાનના પરમાણુ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સાવચેતી તરીકે કરવામાં આવ્યો છે. હુમલા પછી, ઇઝરાયલમાં કટોકટી જાહેર કરીને એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે દેશમાં ખાસ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તેમણે ચેતવણી આપી છે કે ઇઝરાયલને લક્ષ્ય બનાવીને મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કરીને ઈરાન બદલો લઈ શકે છે.

અમેરિકાએ કહ્યું છે કે ઈરાન પર હુમલો કરવાની આ યોજનામાં તે ઈઝરાયલ સાથે સંકળાયેલો નથી. માર્કો રુબિયોએ આ વાત કહી હતી. ઈઝરાયલનો ઈરાન પર હુમલો એવા સમયે થયો છે જ્યારે તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર તણાવ નવા સ્તરે પહોંચ્યો છે. ઈઝરાયલ અને અમેરિકાએ તાજેતરના વર્ષોમાં વારંવાર કહ્યું છે કે તેઓ ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવા દેશે નહીં. આ અંગે વધતા તણાવ વચ્ચે, ઈઝરાયલે હવે ઈરાન પર હુમલો કર્યો છે.