ભારતીય મહિલા ટીમે તાજેતરમાં શ્રીલંકાને પાંચ મેચની ટી ૨૦ શ્રેણીમાં ૫-૦ થી હરાવ્યું હતું. આ પછી, ટીમની મોટાભાગની ખેલાડીઓ ડબ્લ્યુપીએલ ૨૦૨૬ માં ભાગ લેશે. ડબ્લ્યુપીએલ પછી, ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે.
મહિલા પ્રીમિયર લીગ ૨૦૨૬ ૯ જાન્યુઆરીથી શરૂ થશે અને ૫ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ વખતે,ડબ્લ્યુપીએલ મુંબઈ અને બરોડામાં યોજાવાનું છે.ડબ્લ્યુપીએલના સમાપન પછી, ઇંગ્લેન્ડના નિકોલસ લી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ તરીકે કાર્યભાર સંભાળશે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે ડબ્લ્યુપીએલ પછી, નિકોલસ લી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ બનશે.ડબ્લ્યુપીએલ પછી, ભારતીય મહિલા ટીમ ૧૫ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જેમાં અનેક ફોર્મેટમાં શ્રેણી રમશે. આ પ્રવાસ તેમના કાર્યકાળની શરૂઆત હશે.
નિકોલસ લી એક શાનદાર બેટ્‌સમેન રહ્યો છે, તેણે ૧૩ ફર્સ્ટ-ક્લાસ મેચોમાં ૪૯૦ રન બનાવ્યા છે. તેણે તાજેતરમાં યુએઈ ની આઇએલ ટી ૨૦ લીગની ચોથી સીઝનમાં ગલ્ફ જાયન્ટ્‌સના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ તરીકે સેવા આપી હતી. અગાઉ, લી જાન્યુઆરી ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૫ સુધી અફઘાનિસ્તાન પુરુષ ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ તરીકે સેવા આપી હતી. તેમની પાસે અનુભવનો ભંડાર છે જે ભારતીય મહિલા ટીમ માટે ઉપયોગી થઈ શકે છે.
નિકોલસ લી માર્ચ ૨૦૨૦ થી જાન્યુઆરી ૨૦૨૪ સુધી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સાથે પણ કામ કર્યું હતું. તેમણે ઓક્ટોબર ૨૦૧૬ થી માર્ચ ૨૦૨૦ સુધી શ્રીલંકાની પુરુષ ટીમ માટે સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ તરીકે પણ સેવા આપી હતી. તેઓ માર્ચ ૨૦૧૨ થી સપ્ટેમ્બર ૨૦૧૬ સુધી સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં હેડ સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ અને સહાયક કોચ હતા.
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે. ટીમે સૌપ્રથમ દક્ષિણ આફ્રિકાને હરાવીને ૨૦૨૫નો વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ પાંચ મેચની ટી ૨૦ શ્રેણીમાં શ્રીલંકાની ટીમનો ક્લીન સ્વીપ થયો હતો. હવે, ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર શ્રેણી જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ ટી૨૦, ત્રણ વનડે અને એક ટેસ્ટ મેચ રમશે.