લાખો રૂપિયાના એ મહેલોમાં ઊંઘ શાંતિથી કેમ આવે ? જયારે સફેદ દિવસે જ કાળા કામ કર્યા હોય… એ સ્વાદિષ્ટ મીઠાઈ અને ભોજન કદાચ સોનાની થાળીમાં પીરસે પણ ફિક્કો સ્વાદ આવે.., જયારે પીરસનાર અને બનાવનારનો પ્રેમ ના ભળ્યો હોય… એ લાખો રૂપિયાના શયનકક્ષમાં ઊંઘ ના આવે ભલેને એ. સી. થી ઠંડો હોય એ કક્ષ પરંતુ તેનું કાળજુ અંતરમાંથી સદા બળતું રહે…, તો ઠંડીની અનુભૂતિ કેમ થાય?
કેવી વાસ્તવિકતા…? આ ઉપરની થોડી લાઈન ઉપરથી અનુભવી શકાય..,જાણી શકાય.., માણી પણ શકાય કે, જીવન શું છે? અને જીવનનું લક્ષ્ય શું છે? કદાચ લાખો-કરોડો રૂપિયાના ખર્ચે મહેલ બંધાવ્યો હોય, સુખ-સગવડો ઊભી કરી હોય, પરંતુ સફેદ દિવસે જ કાળા કાર્ય કરીને એ ધન કમાયા બાદ તમે શાંતિ પ્રાપ્ત કેવી રીતે કરી શકશો? એ સર્વ સુખ-સગવડો, મહેલ બધું જ તમારા માટે નકામુ બની પડશે. કદાચ તમને સોનાની થાળીમાં સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે અને તમને જાત-જાતના અને ભાત-ભાતના પકવાન પીરસવામાં આવે પરંતુ એ સ્વાદ હંમેશા ફિક્કો જ લાગશે જ્યારે તે ભોજનમા પીરસનાર અને બનાવનારનો પ્રેમ નહીં ભળે. માટે સૌથી વધુ મહત્વનો સ્વાદ હોય તો તે પ્રેમનો સ્વાદ છે. અને એ પ્રેમના સ્વાદ માટે માણસની અમીરી કે ગરીબી નથી જોવાતી, માણસનું રંગ-રૂપ નથી જોવાતું, માણસની સફળતા-નિષ્ફળતા કે કદ-કાયા નથી જોવામાં આવતું. એ પ્રેમના સ્વાદ માટે તો અંતર આત્માનો સાચો ભાવ જોવામાં આવે છે. એ તમારો અંતરનો ભાવ જ તમારા પ્રેમના સ્વાદની ગુણવત્તા વધારે છે. માટે ઈશ્વર સ્વયં શ્રીરામને શબરીના એઠાં બોર ખાવા જવા પડે અને જગતગુરુ પરમ પરમેશ્વર શ્રી કૃષ્ણને પણ આ રાજમહેલના ભવ્ય થાળો ત્યજી વિદુરની ભાજી આરોગવાનો લહાવો લેવા જવું પડે છે.
તમે કદાચ આલીશાન શયનકક્ષ બનાવો.ઊંઘ કરવા માટે કીમતી વસ્તુથી સજ્જ આરામ કક્ષ બનાવો. ઠંડી પ્રાપ્ત થાય માટે તેમાં એ.સી. લગાવો. પરંતુ તમારા કર્મો જ બીજાને જીવતે જીવ સળગાવવાના હશે તો તમને ક્યારેય ઠંડક પ્રાપ્ત નહીં થાય. ક્યારેય પણ શાંતિની ઊંઘ નહીં મળે. તમારૂં કાળજું સદાને માટે અંદર ને અંદર સળગતું રહેશે અને ત્યાં ઠંડક પહોંચાડવા માટે તમારું એ.સી. પણ કામ નહીં કરી શકે. કાળજાને ઠંડક ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તમે કોઈ બીજાના સળગતા હૃદયને ઠંડક આપવાનો પ્રયત્ન કરો છો. તમે ઉનાળામાં ઠંડક પ્રાપ્ત કરવા માટે ફ્રીજનું ઠંડુ પાણી પીવો, પરંતુ તે ઠંડક તમને અંતર આત્મા સુધીની નહિ પ્રાપ્ત થાય જયારે તમારા કર્મ જ બીજાની જિંદગીને તોડવા-વિખવાના હશે. આપણે અંતરથી બીજાનું ભલું થાય એવું વિચારીએ તો પણ ઈશ્વર રાજી થાય છે. અને આપણને શીતળતા પ્રાપ્ત થાય છે.
કડકડતી ભૂખની આગ એ શરીરમાં દોડી રહી હોય.., છતાં કાર્ય કરતાં કરતાં ઈમાનદારી અને નીતિનું વિચારે. પોતાના કાર્યમાં પૂર્ણ ભાવથી મહેનત કરે, જવાબદારી નીભાવે અને રોટલો મળે તે મેળવી તે જમે તેમાં તેમને અનેરો સ્વાદ આવતો હોય કારણ કે, એ સ્વાદમાં પ્રેમનો સ્વાદ ભળ્યો હોય છે. એ સામાન્ય મજૂરની દશા જુઓ. ઉનાળાના અગ્નિ વરસાવતાં એ ભર બપોરે સૂર્ય સામે મીટ માંડીને કાર્ય કરે. મજૂરી કરે. અને ફ્રિજનું નહીં પરંતુ માટલાનું જળ પીએ તો પણ તે જળ તેના શરીરના અંતર આત્મા સુધી ઠંડક પહોંચાડે છે. કારણ કે તે જળમાં પ્રેમ અને ભાવ ભળે છે.
ખુલ્લા રસ્તા ઉપર પથારી કરી એ સુવે. અને શાંતિથી તેની ઊંઘ પૂર્ણ થાય કારણ કે ; એ તો સામાન્ય માનવી છે…, મજુર માણસ છે…, તેમણે કોઈનું ઘર તોડવા કરતાં જોડવાનુ વિચાર્યું છે. અને કોઈના જીવનમાં આગ લગાડવા કરતાં શીતળ પ્રેમનું જળ વરસાવ્યું છે. માટે તેની ઊંઘ અમીરાતોના એ મહેલની ઊંઘ કરતા વધુ શીતળ, વધુ શાંતિમય અને સારી રીતે પૂર્ણ થાય છે. આ જીવનનો પ્રેમનો સ્વાદ એ ભારતમાં જોવા મળે છે. અને હવે ભારતીયો આ સ્વાદને સમજવા લાગ્યા છે. માટે આવો સૌ સાથે મળીને આ પ્રેમના સ્વાદથી સૌના જીવનમાં આનંદ પાથરીએ.., ખુશીઓ ફેલાવીએ અને માનવ જીવનને સાકાર કરીએ. ભાઈચારાની લાગણી વિશ્વમાં પ્રસરાવી ભારતને વિશ્વ ગુરુ બનાવીએ. વંદે માતરમ.. bhayanijr5126@gmail.com