ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ડાકલા વાગવા માંડ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણના ગઢ ગણાતા કડી ખાતે આજે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. ચૂંટણીઓ પહેલા નીતિન પટેલ ફરી એક્ટિવ થયા છે, બીજી બાજુ ભાજપ દ્વારા નીતિન પટેલને ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિમાં સ્થાન મળવા બદલ કડી એપીએમસી ખાતે સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
ભાજપ દ્વારા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પ્રદેશ ચૂંટણી સમિતિમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આગામી ૪૫ દિવસમાં ગુજરાતમાં ૧૦ હજારથી વધુ ઉમેદવારોની પસંદગી કરવાની મોટી જવાબદારી પક્ષે તેમને સોંપી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ટૂંક સમયમાં ૮૦ ટકા જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.
ચૂંટણીઓમાં ટિકિટ ફાળવણીના માપદંડો અંગે નીતિન પટેલે કાર્યકરોને સ્પષ્ટ સંકેત આપી દીધા છે. તેમણે આ વખતે એક નવો મંત્ર આપતા જણાવ્યું છે કે મારો માણસ હોય એટલે એ સારો છે એવું માનીને ટિકિટ નહીં અપાય, પણ જે ખરેખર સારો અને લાયક હશે તેને જ પક્ષ પોતાનો ગણીને મેદાનમાં ઉતારશે.” નીતિન પટેલે આડકતરી રીતે દાવેદારોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, પક્ષ આ વખતે ઉમેદવારની પસંદગીમાં કોઈ બાંધછોડ કરશે નહીં.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે પક્ષ પ્રત્યે સમર્પિત કાર્યકરોને પ્રાધાન્ય મળશે. જે કાર્યકરની છબી જનતામાં ક્લીન હશે તેને જ પાર્ટી ટિકિટ અપાશે. આ સિવાય કોઈપણ પ્રકારની ગેરરીતિમાં સંડોવાયેલા કે ખરાબ ઈતિહાસ ધરાવતા લોકોને ટિકિટ નહીં મળે તેવો સ્પષ્ટ સંકેત તેમણે આપ્યો હતો.
આ કાર્યક્રમમાં કડી અને મહેસાણા જિલ્લાના ભાજપના હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલના આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને દાવેદારોમાં દોડધામ શરૂ થઈ ગઈ છે.










































