બાબરા તાલુકાના ભીલડીથી ભીલા જવાના રસ્તે ઉદય હોટલ પાસે “આ જમીન અમારી છે અહીં માલઢોર ચરાવવા નહીં” કહી માલધારીને છરીનો ઘા માર્યો હતો તેમજ ઢીકાપાટુ પણ માર્યા હતા. બનાવ અંગે દેવાંગભાઈ ભુપતભાઈ આજરા (ઉ.વ.૨૩) એ ઉદયભાઈ રાજગોર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ તેમની ગાયો લઈ ઉદય હોટલ સામે આવેલી ગૌચરની જમીનમાં ગાયો ચરાવતા હતા. આ દરમિયાન હોટલવાળા ઉદયભાઈ તથા તેની સાથેના અજાણ્યા માણસે આવીને “આ જમીન અમારી છે. અહીં માલઢોર ચરાવવા નહીં” તેમ કહી ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી. ઉપરાંત કપાળના ભાગે છરીનો એક ઘા માર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.આર. ડેર વધુ તપાસ કરી રહ્યા છે.