ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા પર, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “હું તેમને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવું છું.
તેમણે કહ્યું, “આ પહેલીવાર છે જ્યારે કોઈ ઉપરાષ્ટ્રપતિએ આ રીતે રાજીનામું આપ્યું છે. કમનસીબે, તેમના સ્વાસ્થ્યએ તેમને આગળ કામ કરવાની મંજૂરી આપી ન હતી. આશા છે કે આગામી ઉપરાષ્ટ્રપતિ તેમના પદ અને કાર્યાલય સાથે ન્યાય કરશે.” ચોમાસુ સત્ર શરૂ થયા પછી, સમાચાર આવ્યા કે જગદીપ ધનખરે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધનખરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સુપરત કર્યું. રાજીનામામાં ધનખરે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે.
પોતાના રાજીનામામાં, જગદીપ ધનખરે કહ્યું, “આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને ડોક્ટરની સલાહનું પાલન કરવા માટે, હું બંધારણની કલમ ૬૭ (એ) અનુસાર તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.”
તમને જણાવી દઈએ કે ૯ માર્ચ, ૨૦૨૫ ના રોજ, છાતીમાં દુખાવો અને અસ્વસ્થતાની ફરિયાદ બાદ જગદીપ ધનખડને દિલ્હીના એમ્સ ખાતે કાર્ડિયાક વિભાગના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમને ૧૨ માર્ચે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
તાજેતરમાં ધનખડ વિશે એક મોટા સમાચાર પણ સામે આવ્યા હતા કે રાજીનામું આપતા પહેલા, તેમણે ૨૦ જુલાઈના રોજ ૮૦૦ લોકોને ભોજન સમારંભ આપ્યો હતો. આ તેમની પત્નીના જન્મદિવસનો પ્રસંગ હતો, જેમાં તમામ પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજ્યસભા સચિવાલયના કર્મચારીઓ પણ આ ભોજન સમારંભમાં હાજર રહ્યા હતા.
આ ભોજન સમારંભ દરમિયાન, આપ નેતા અરવિંદ કેજરીવાલ પણ પહોંચ્યા હતા, જેમને ધનખડ પણ મળ્યા હતા. જાકે, એવું કહેવામાં આવ્યું હતું કે ધનખર રાજીનામું આપવાની યોજના ધરાવે છે અને તેથી તેમણે આ મિજબાનીનું આયોજન અગાઉથી કર્યું હતું.