બાબરાના ચમારડી ગામે એક મહિલાને પંચાયત ઓફિસમાં ઘરવાનું નહીં તેમ કહી ગાળો આપવામાં આવી હતી. બનાવ અંગે કોમલબેન સુરેશભાઈ દાફડા (ઉ.વ.૨૬)એ જીવનભાઈ વેલજીભાઈ, નરેશભાઈ ભવાનભાઈ, ધીરૂભાઈ જીવરાજભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ ચમારડી ગ્રામ પંચાયતનાં સભ્ય હતા. તા.૨૧/૦૭/૨૦૨૫ ના બપોરનાં ત્રણેક વાગ્યે ફરિયાદી તથા તેમના પતિ સુરેશભાઇ ચમારડી ગ્રામ પંચાયત ઓફિસે ગયા ત્યારે ચમારડી ગામનાં સરપંચનાં પતિ જીવનભાઈ વેલજીભાઈએ તેમને દૂર બેસવાનું કહ્યું હતું. નરેશભાઈ ભવાનભાઈએ ‘આવા લોકોને અહીં શું કામ આવવા દો છો’ તેમ કહ્યું હતું. ધીરૂભાઈ જીવરાજભાઈએ તેમને તથા સાહેદને ‘તમારે જ્યાં જવું હોય ત્યાં જજો, તમારી કોઇ ફરિયાદ નહી સાંભળે’ તેમ કરી ત્રણેય આરોપીઓએ બિભત્સ ગાળો આપી, પંચાયત ઓફિસમાં ઘરવાનું નહી તેમ કહ્યું હતું. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડીયા વધુ તપાસ કરી રહ્યા છે.